France Football Team: FIFA વર્લ્ડ કપ 2022નું અભિયાન શરૂ થાય તે પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફોરવર્ડ ખેલાડી Christopher Nkunku વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ટ્રેનિંગ સેશન દરમિયાન તેને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે.






આરબી લીપઝિગના આ સ્ટાર સ્ટ્રાઈકરને મંગળવારે ઈજા થઈ હતી. તેની ઈજાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનિંગ દરમિયાન તે સાથી ખેલાડી એડ્યુરાર્ડો કૈમાવિંગા સાથે ટકરાયો હતો અને આ ટક્કરને કારણે તેને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી.


ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું  કે ક્રિસ્ટોફરનો એક્સ-રે સાંજે જ કરવામાં આવ્યો હતો જેમાં કમનસીબે ગંભીર ઈજા હોવાનું બહાર આવ્યું હતું. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે ક્રિસ્ટોફરના બદલે ખેલાડીની જાહેરાત  ફિફાને અમારા દ્વારા મોકલવામાં આવેલી મેડિકલ ફાઇલને મંજૂરી મળ્યા બાદ જાહેર કરવામાં આવશે.


આ ત્રણ દિગ્ગજ ખેલાડી પણ ઈજાના કારણે બહાર છે


આ વખતે ફ્રેન્ચ ટીમ ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. ઈજાના કારણે ત્રણ મોટા દિગ્ગજ પહેલાથી જ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. પોલ પોગ્બા, એનગોલો કાંટે અને પ્રેસ્નેલ કિમ્પેમ્બે ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયા હતા.


ફ્રાન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે


રશિયામાં યોજાયેલ છેલ્લો ફિફા વર્લ્ડ કપ ફ્રાન્સે જીત્યો હતો. આ પહેલા વર્ષ 2016માં પણ ફ્રાન્સની ટીમ યુરો ચેમ્પિયન બની હતી. મોટી ટુર્નામેન્ટમાં ફ્રાન્સની તાજેતરની સફળતાથી તે આ વખતે પણ વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે. ફ્રાન્સમાં કરીમ બેન્ઝેમા, એમબાપ્પે અને ગ્રીઝમાન જેવા સ્ટાર ફોરવર્ડ ખેલાડીઓ છે.