નવી દિલ્હી: ભારતની ઘરેલુ ક્રિકેટમાં રનનો ઢગલો કરનાર 42 વર્ષીય વસિમ જાફરે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મુંબઈના આ ખેલાડીની ગણતરી ભારતીય ઘરેલુ ક્રિકેટમાં સૌથી શાનદાર બેટ્સમેનોમાં કરવામાં આવે છે. વસિમે ભારત માટે અંતિમ મેચ 2008માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન વસિમ જાફરે પોતાના ક્રિકેટ કરેયિરમાંથી નિવૃતિ લેતા કહ્યું કે, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ અને ધોની જેવા ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમમાં સાથે હોવું મારા માટે સન્માનની વાત છે.



જાફરે ભારતીય ટીમ માટે 2000માં ડેબ્યૂ કર્યું હતું. 31 ટેસ્ટમાં ભારતી ટીમનું પ્રતિનિધિત્વ કરતા એક બેવડી સદી, પાંચ સદી અને 11 અડધી સદી સાથે 1944 રન બનાવ્યા હતા. 2006માં વેસ્ટઈન્ડ઼િઝ વિરુદ્ધ પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ 212 રનની ઈનિંગ રમી હતી. જો કે તેમને માત્ર બે વનડેમાં જ રમવાની તક મળી હતી. 2008માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ રમ્યા બાદ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક્ટિવ થઈ ગયો હતો.

જાફર 1996-97માં પોતાની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. વસીમ જાફરે 260 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં 50.67ની એવરેજથી 19,410 રન બનાવ્યા છે. જેમાં તેણે 57 સદી અને 91 અડધી સદી ફટકારી છે. તેનો અણનમ 314 રનનો સર્વોચ્ચ સ્કોર છે. રણજી ટ્રોફીમાીં વસિમ જાફરે 12038 રન બનાવ્યા છે. જે એક રેકોર્ડ પણ છે. તેના સિવાય આ પ્રતિષ્ઠિત ઘરેલુ ટ્રોફીમાં દસ હજાર રનનો આંકડો કોઈએ પાર કર્યો નથી. વસીમ જાફરને આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.