ઇસ્લામાબાદઃ પાકિસ્તાના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યુ છે અને ભારતીયોને ધમકી આપી છે. વડાપ્રધાન ઇમરાન ખાનના સપોર્ટમાં ઉતરેલા જાવેદ મિયાંદાદે હાથમાં તલવાર ઉઠાવીને કહ્યું કે હું તલવારથી મારીશ.

પૂર્વ પાક ક્રિકેટર જાવેદ મિયાંદાદનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાવેદ મિયાંદાદે હાથમાં તલવાર ઉઠાવી છે. તલવાર વિંઝતા વિંઝતા મિયાંદાદ કહી રહ્યો છે કે, તે કાશ્મીરીઓની સાથે છે. આ દરમિયાન જાવેદ મિયાંદાદે પાકિસ્તાની જર્સી પહેરી છે.



વીડિયોમાં જાવેદ મિયાંદાદ હાથમાં તલવાર લઇને ભારતીયોને ખુલ્લી ધમકી આપી રહ્યો છે કે, 'કાશ્મીરી ભાઇઓ ચિંતા ના કરો, અમે તમારી સાથે છીએ, જેવી રીતે પહેલા બેટથી છગ્ગા મારતો હતો, તેવી રીતે હવે હું તલવારનો પણ ઉપયોગ કરીશ.'


ઉલ્લેખનીય છે કે, 5મી ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ્દ કરીને કાશ્મીરને ભારત સાથે ભેળવી દીધુ હતુ. આ સાથે જ પાકિસ્તાન ગભરાઇ ગયુ અને વારંવાર ભારતને યુદ્ધની ધમકી આપવા લાગ્યુ હતુ.