નવી દિલ્હીઃ ભારતીય ટીમને નવો કૉચ મળી ચૂક્યો છે, બીસીસીઆઇએ આઇસીસી ટી20 વર્લ્ડકપ બાદ કૉચ પદેથી રવિ શાસ્ત્રીને હટાવીને તેની જગ્યાએ પૂર્વ ભારતીય કેપ્ટન અને ધ વૉલ ગણાતા રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના કૉચની જવાબદારી સોંપી છે. કૉચ બદલાયા બાદ હવે રવિ શાસ્ત્રીએ પોતાની સાથે અન્યાય થયો હોવાનુ રટણ કર્યુ છે. રવિ શાસ્ત્રીએ આ વાત પર પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર નિશાન સાધ્યુ છે. શાસ્ત્રીએ ગાંગુલી પર આકરા પ્રહાર કર્યા છે. તેમને કહ્યું મારી સાથે આઘાતજનક વર્તન કરવામાં આવ્યું છે.

  


રવિ શાસ્ત્રીએ એક મીડિયા સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે- મને ૨૦૧૪માં ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી  હતી. જે પછી ૨૦૧૬ના અંતે મારી ટર્મ પુરી થતાં મને દૂર કરવાનો નિર્ણય લેવાયો તે સમયે મને કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નહતુ. મેં મારી બ્રોડકાસ્ટિંગની કારકિર્દી દાવ પર લગાવીને ભારતીય ટીમના કોચ બનવાનું પસંદ કર્યું હતુ. ત્યારે જ અચાનક મને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મારી સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતુ, તેનાથી મને આઘાત લાગ્યો હતો. તેમને આ આ માટે પૂર્વ ક્રિકેટર પર ટાર્ગેટ કર્યો હતો. ગાંગુલીનું નામ લીધા વિના જ શાસ્ત્રીએ કહ્યું કે, ચોક્કસ લોકોએ ત્યાં સુધી પ્રયાસો કર્યા હતા કે, મને ફરી કોચ બનાવવામાં ન આવે, પણ આ જ જિંદગી છે.


શાસ્ત્રીએ કહ્યું - ગાંગુલી મને સારી રીતે એમ જણાવી શક્યા હોત કે, 'અમને તારી જરુર નથી. અમને તું ગમતો નથી. અમે બીજા કોઈને લાવવા માંગીએ છીએ.' મને દૂર કર્યાના નવ મહિનામાં જ ટીમ વિવાદોથી ઘેરાઈ ગઈ હતી. શાસ્ત્રીએ અત્યંત તીખા અંદાજમાં કહ્યું કે, કેટલાક ચોક્કસ લોકો' મને ફરી ભારતીય ટીમના કોચ તરીકે ઈચ્છતા નહતા, તેમના માટે હું ૨૦૧૭માં ફરી કોચ બન્યો તે ઘટના અત્યંત શરમજનક હતી.


શાસ્ત્રીએ કહ્યું તે સમયે ગાંગુલી, સચિન અને લક્ષ્મણની બનેલી ક્રિકેટ એડવાઈઝરી કમિટિએ શાસ્ત્રીના બદલે કુમ્બલેને કોચ તરીકે પસંદ કર્યો હતો. જોકે નવ મહિનામાં જ કુમ્બલેએ રાજીનામું આપ્યું હતુ અને આખરે શાસ્ત્રીને ફરી કોચ બનાવવામાં આવ્યો હતો.