Gulveer Singh: ભારતના ગુલવીર સિંહે શનિવારે જાપાનના નિગાટામાં વર્લ્ડ એથ્લેટિક્સ સબકોન્ટિનેન્ટલ ટૂરના યોગિબો એથ્લેટિક્સ ચેલેન્જ કપમાં પુરુષોની 5000 મીટરમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગયા વર્ષે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ગુલવીરે વિશ્વ એથ્લેટિક્સની આ 'બ્રોન્ઝ લેવલ મીટ'માં 13 મિનિટ 11.82 સેકન્ડના સમય સાથે ટોચનું સ્થાન મેળવીને તેના અગાઉના રાષ્ટ્રીય રેકોર્ડમાં સુધારો કર્યો હતો.






આ વર્ષની શરૂઆતમાં પોર્ટલેન્ડ ટ્રેક ફેસ્ટિવલમાં 26 વર્ષીય ખેલાડીએ 13 મિનિટ 18.92 સેકન્ડના સમય સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. ગુલવીર 10,000 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ ધરાવે છે. તેણે આ વર્ષે માર્ચમાં કેલિફોર્નિયામાં 'ટેન ટ્રેક મીટ'માં આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે તેણે 27 મિનિટ 41.18 સેકન્ડનો સમય લીધો હતો.


આ રેસમાં હાંગઝોઉ એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા ગુલવીર સિંહે જાપાનના મેબુકી સુઝુકી પર માત્ર બે સેકન્ડના અંતર સાથે વિજય મેળવ્યો હતો, જેણે 13:13.80ના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. અન્ય જાપાની એથ્લેટ કોટારો શિનોહારાએ 19 ખેલાડીઓની રેસમાં 13:15.70ના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. ગુલવીર ભારતના પુરુષોની 10,000 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ ધરાવે છે, તેણે ગયા મહિને બેંગલુરુમાં નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 5000 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો. 


નોંધનીય છે કે તાજેતરમાં ભારતે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં  ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન સેક્શનમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતે સ્લોવેનિયા સામે નિર્ણાયક મુકાબલામાં જીત નોંધાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. આ ભારતીય શતરંજ ઇતિહાસની એક મોટી સિદ્ધિ છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં ડી ગુકેશ અને અર્જુન એરિગૈસીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી જેમણે પોતાના મુકાબલાઓમાં જીત નોંધાવીને ભારતને ટોપ પર પહોંચાડી દીધું હતું. 18 વર્ષીય ડી ગુકેશે ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક રશિયાના વ્લાદિમીર ફેડોસેવને હરાવીને ભારતની સફળતામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમની જીતે ટૂર્નામેન્ટમાં ભારતીય પ્રભુત્વની પાયો નાંખ્યો. જ્યારે અર્જુને જોન સુબલેજને માત આપીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું અને સ્લોવેનિયા સામેના મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતની પકડને મજબૂત કરી દીધી હતી.