IPL હરાજીમાં વિન્ડિઝના આ ખેલાડી પર લાગશે કરોડોની બોલી, હરભજન સિંહે કરી આગાહી, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતીય ટીમે રવિવારે રાત્રે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે સરળ વિજય ભલે મેળવ્યો હોય પરંતુ આ મેચમાં ભારત સિવાય વેસ્ટ ઈન્ડિઝનો એક ખેલાડી પણ છવાયેલો રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન એક છેડેથી નિયમિત વિકેટો પડતી હતી ત્યારે 5માં ક્રમે બેટિંગમાં ઉતરેલા હેટમેયરે આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને માત્ર 74 બોલમાં જ સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપડાએ પણ હેટમેયરની પ્રશંસા કરતાં કહ્યું કે, આ ઈનિંગથી તેની આઈપીએલમાં ચમકવાની શક્યતા વધી ગઈ છે. 13 મેચમાં 3 સદી ફટકારી હોય તેવો હેટમેયર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ ખેલાડી છે.
વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન હેટમેયરે માત્ર 13 વન ડે ઈનિંગમાં જ 3 સદી ફટકારી છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 135ની આસપાસ રહ્યો છે. હેટમેયરના આ અંદાજને લઈ હાલ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહે તેની પ્રશંસા કરતા લખ્યું કે, હેટમેયરની ઈનિંગ શાનદાર રહી. આઈપીએલ 2019માં હવે કરોડોમાં વેચાનારો નવો ખેલાડી હશે.
ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને છૂટથી રન ન કરવા દેનારા બોલર કુલદીપ યાદવને ગુવાહાટી વનડેમાં ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો. ભારતીય ટીમ મેનેજમેન્ટને પણ આ ખતરનાક બેટ્સમેનની શૈલીનો અંદાજ હશે તેથી એક વધારાના ફાસ્ટ બોલરને પ્લેઇંગ 11માં સ્થાન આપવામાં આવ્યું હતું.