મોહાલીઃ ભારતીય સ્પોર્ટ્સ ઈતિહાસના મહાન એથલિટ પૈકીના એક અને ઓલંપિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમના કેપ્ટન બલબીર સિંહ સીનિયરનું નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. છેલ્લા થોડા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી.

ફોર્ટિસ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર અભિજીત સિંહે જણાવ્યું કે, બલબીર સિંહે સોમવારે સવારે આશરે 6.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. બલબીરના પરિવારમાં તેમની પુત્રી સુશબીર  અને ત્રણ પુત્રો- કંવલબીર, કરણબીર અને ગુરબીર છે.

બલબીર સતત ત્રણ વખત હોકીમાં ઓલંપિક ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો રહ્યા છે. 1956ના મેલબર્ન ઓલંપિકમાં તેમની કેપ્ટનશિપમાં  ભારતે ગોલ્ડ જીત્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમે કુલ 38 ગોલ કર્યા હતા અને એક પણ ગોલ ગુમાવ્યો નહોતો.



બલબીરનો જન્મ 31 ડિસેમ્બર, 1923ના રોજ પંજાબના હરિપુર ખાલસામાં થયો હતો. તેમને માત્ર ભારતના જ નહીં સમગ્ર વિશ્વમાં હોકીના સૌથી મહાન ખેલાડી માનવામાં આવે છે. બલબીર ભારતની આઝાદી બાદ 1948માં લંડનમાં યોજાયેલી ઓલંપિકમાં ગોલ્ડ જીતનારી ટીમનો હિસ્સો પણ હતા.

1948 વર્લ્ડ કપ ફાઇનલમાં બ્રિટન સામે ભારતીય ટીમના 4માંથી 2 ગોલ બલબીરે કર્યા હતા. જે બાદ 1952 (હેલ્સિંકી) અને 1956 (મેલબર્ન)માં પણ ભારતે ગોલ્ડ જીત્યા હતા. હેલ્સિંકી ઓલંપિકમાં બલબીરે સમગ્ર ટૂર્નામેન્ટમાં 13 ગોલ કર્યા હતા. જેમાં સેમિ ફાઇનલમાં બ્રિટન સામે હેટ્રિક કરી હતી. ફાઇનલમાં ભારતે નેધરલેન્ડને 6-1થી હાર આપી હતી. જેમાંથી 5 ગોલ એકલા બદબીરે કર્યા હતા. ફાઇનલમાં એક ખેલાડી દ્વારા સૌથી વધારે ગોલનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.