Hockey World Cup 2023 Final: હૉકી વર્લ્ડકપ 2023માં આજે ફાઇનલ મેચ રમાશે, આજે બેલ્જિયમ અને જર્મની વચ્ચે ખેતાબી જંગ જામશે, આ મેચ સાંજે 7 વાગ્યાથી ભુવનેશ્વરના મેદાન શરૂ થશે. બેલ્જિયમની ટીમ નેધરલેન્ડ્સને સામેની સેમિ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવીને હૉકી વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પહોંચ્યુ છે, તો સામે જર્મનીએ રોમાંચક સેમિ ફાઇનલમાં છેલ્લી બે મિનીટમાં ગૉલ ફટકારીને ઓસ્ટ્રેલિયાને 4-3થી હરાવ્યુ છે. ખાસ વાત છે કે, બન્ને ટીમો આ ટૂર્નામેન્ટમાં ગૃપ સ્ટેજમાં પણ ટકરાઇ ચૂકી છે. તે હાઇ વૉલ્ટેજ મેચ 2-2 થી ડ્રૉ રહી હતી. જેથી આજની હૉકી વર્લ્ડકપ 2023ની ફાઇનલ પણ હાઇ વૉલ્ટેજ રહેવાની પુરેપુરી શક્યતા છે.


ભારતના ઓડિશામાં રમાઇ રહેલા હૉકી વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ પહેલાથી જ બહાર થઇ ગઇ છે, ભારતીય ટીમને ક્રૉસ ઓવર મેચમાં ન્યૂઝીલેન્ડે હરાવીને બહારનો દરવાજો બતાવી દીધો હતો. આજની મેચમાં ખાસ વાત છે કે, બે વારની વર્લ્ડ ચેમ્પીયન ટીમ જર્મની અને ડિફેન્ડિંગ ચેમ્પીયન બેલ્જિયમ ફરી એકવાર આમને સામને થવાના છે.


આજે બેલ્જિયમને સતત બીજી વાર વર્લ્ડકપ જીતવાનો મોકો છે, તો બીજીબાજુ જર્મની 17 વર્ષ બાદ એકવાર ફરીથી વર્લ્ડકપ ટાઇટલ પર કબજો કરવા માટે મેદાનમાં ઉતરશે.


ક્યાંથી ને કેટલા વાગે જોઇ શકાશે બેલ્જિયમ અને જર્મની વચ્ચેની હૉકી વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ - 
આ મેચ ભુવનેશ્વરના હૉકી સ્ટેડિયમમાં રમાશે. મેચ આજે (29 જાન્યુઆરી), સાંજે 7 વાગે શરૂ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પર જોઇ શકાશે. જ્યારે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની + હૉટસ્ટાર એપ પર અવેલેબલ રહેશે.