ICC Test Ranking: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી દીધી છે. બેટ્સમેનની રેન્કિંગમાં ટૉપ પાંચ સ્થાનોમાં કોઇ ફેરફાર નથી થયો. વળી બૉલરોના રેન્કિંગમાં પણ ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પહેલા નંબર પર યથાવત છે, પરંતુ ઓલરાન્ડરોના લિસ્ટમાં ફેરફાર જરૂર થયો છે. ભારતનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે.


રવિન્દ્ર જાડેજાએ હૉલ્ડરને પાછળ પાડીને ઓલરાઉન્ડરની આઇસીસી રેન્કિંગમાં પહેલા નંબરનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. રવિન્દ્ર જાડેજા હવે હૉલ્ડર (384 પૉઇન્ટ)થી આગળ છે, જ્યારે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ 377 પૉઇન્ટથી ત્રીજા સ્થાન પર છે. આ ઉપરાંત ભારતના રવિચંદ્રન અશ્વિન 353 પૉઇન્ટની સાથે ચોથા નંબર પર છે, વળી બાંગ્લાદેશના શાકિબ અલ હસન (338 પૉઇન્ટ) પાંચમાં નંબર પર છે. 


સાથે જ અશ્વિન બૉલરોની રેન્કિંગમાં 850 પૉઇન્ટ લઇને બીજા નંબર પર યથાવત છે. તે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ (908 પૉઇન્ટ)થી પાછળ છે. ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથી (830 પૉઇન્ટ) ત્રીજા નંબર પર છે. 


બેટ્સમેનોની રેન્કિંગમાં ટૉપ પાંચ સ્થાનોમાં કોઇ ફેરફાર નથી થયો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 814 પૉઇન્ટથી ચોથા નંબર પર કાયમ છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 891 પૉઇન્ટ સાથે ટૉપ પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (886 પૉઇન્ટ) અને ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશાને (878 પૉઇન્ટ) તેમના બાદ ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટ (797 પૉઇન્ટ) પાંચમા નંબર પર છે, ત્યારબાદ ઋષભ પંત અને રોહિત શર્માની ભારતીય જોડી 747 પૉઇન્ટ લઇને સંયુક્ત રીતે છઠ્ઠ સ્થાન પર છે. 


WTC Final: ભારતને હરાવીને ન્યૂઝીલેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન-
સાઉથટેમ્પનઃ ન્યૂઝિલેન્ડે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને 8 વિકેટથી હરાવવાની સાથે જ પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ન્યૂઝિલેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.