નવી દિલ્હીઃ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયા તેમાં ટોચ પર છે. પરંતુ ટેસ્ટ ચેમ્પિયનશીપની પોઇન્ટ ટેબલ સિસ્ટમથી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી નાખુશ હોય તેમ લાગે છે. તેણે કહ્યું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વિદેશમાં જીત મેળવવા પર બમણા અંક મળવા જોઈએ.



ચેમ્પિયનશીપથી ટેસ્ટ ક્રિકેટનું સ્તર સુધર્યું છે. હાલ સીરિઝમાં ક્લિન સ્વીપ કરનારી ટીમને 120 પોઈન્ટ મળે છે. પછી ભલે બે મેચની સીરિઝ હોય કે પાંચ મેચની. મેચ વિદેશમાં રમાઈ હોય તો પણ ભલે અને ઘર આંગણે રમાઈ હોય તો પણ ભલે. કોહલીએ કહ્યું, તમે મને  પોઇન્ટ ટેબલ બનાવવાનું કહેત તો હું વિદેશમાં જીત મળવા પર ડબલ પોઇન્ટ આપત. હું આ બદલાવ જોવા માંગુ છું.



કોહલીએ કહ્યું, હવે કોઈ પણ ટીમ ડ્રો માટે રમવા નથી માંગતી. દરેક મેચનું મહત્વ વધી ગયું છે. પ્રથમ ત્રણ મેચનો સીરિઝમાં આપણે ડ્રો માટે રમતા હતા પરંતુ હવે ટીમો જીતવા માટે રમી રહી છે. જે ટેસ્ટ ક્રિકેટ માટે સારી વાત છે.



ભારતીય કેપ્ટન કહ્યું, હવે મેચ વધારે રોમાંચક થઈ રહી છે. અમારે દરેક સત્રમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ખેલાડીઓએ તેમનું રમત સ્તર સતત સુધારવું પડશે.