મેલબર્નઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે 5 વિકેટના નુકસાન પર 277 રન બનાવી લીધા હતા. કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલો અજિંક્ય રહાણે 104 રને અને જાડેજા 40 રને રમતમાં છે. રહાણેએ કરિયરની 12મી અને એમસીજીમાં બીજી સદી ફટકારી હતી. રહાણેએ 198 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 12 ફોર મારી હતી. તેની સાથે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક મોટો રેકોર્ડ પણ રહાણએ પોતાના નામે કરી લીધો છે.
રહાણે મેલબર્નમાં સદી ફટકાર ભારતનો બીજો કેપ્ટન બની ગયો છે. આ પહેલા વીનુ માંકડે ભારત માટે કેપ્ટન તરીકે મેલબર્નમાં સદી નોંધાવી હતી. તે સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અલગ અલગ મેદાનોમાં સદી ફટકારવા મામલે રહાણે ભારતનો 12મો કેપ્ટન પણ છે.




આ સિવાય કેપ્ટન તરીકે સદી ફટકારવાની સાથે તે એક ખાસ ક્લબમાં સામેલ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે સદી ફટકારનારો તે પાંચમો ભારતીય કેપ્ટન બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌપ્રથમ સદી મોહમ્મદ અઝહરુદ્દીને મારી હતી. 1991-92માં તેણે એડિલેડમાં 106 રનની ઈનિંગ રમી હતી.


આ ટેસ્ટમાં રહાણેએ સદી ફટકારીને ખાસ ક્લબમાં સામેલ થયો હતો. અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી.