નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ પુણેમાં રમાવવાની છે. આ મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે. ખાસ વાત છે કે, ત્રણ મેચોની વનડે સીરીઝ મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ પુણેમાં રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયા પ્રથમ વનડેમાં ઇંગ્લિશ ટીમને હાર આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. આજની મેચમાં સૌથી વધુ નજર ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. કેમકે આજની મેચ વિરાટ માટે સ્પેશ્યલ સાબિત થઇ શકે છે. ખરેખરમાં કિંગ કોહલી આજની મેચમાં જોરદાર બેટિંગનુ પ્રદર્શન કરીને સદી ફટકારે છે તો તે સચિન અને પોન્ટિંગ બન્નેના રેકોર્ડની બરાબરી કરી લેશે.
વિરાટ કોહલીની નજર સચિન અને પોન્ટિંગના રેકોર્ડ પર.....
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ....
ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેને કુલ 100 સદીઓ ફટકારી છે. આ લિસ્ટમાં બીજા નંબર પર પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનુ નામ છે. પોન્ટિંગે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 71 સદીઓ બનાવી છે. વળી 70 સદીઓ ફટકારીને વિરાટ કોહલી આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે, આજે ઇંગ્લેન્ડ સામે વિરાટ વધુ એક સદી ફટકારી દે છે તો પોન્ટિંગના આ રેકોર્ડની બરાબરી કરી લેશે.
કોહલી સચિનના આ રેકોર્ડની પણ કરી શકે છે બરાબરી...
વનડેમાં ભારત માટે ઘરેલુ જમીન પર સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ દિગ્ગજ સચિન તેંદુલકરના નામ છે. તેને ઘરઆંગણે કુલ 20 સદીઓ બનાવી છે. વળી હાલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે ઘરેલુ સરજમીન પર 19 સદી છે. આવામાં જો આજે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારે છે તો તે સચિનના આ રેકોર્ડની પણ બરાબરી કરી શકે છે.
પોન્ટિંગના આ રેકોર્ડ પર રહેશે કોહલીની નજર....
વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. તેને કુલ 22 સદીઓ બનાવી છે. વળી વિરાટ કોહલી વનડેમાં કેપ્ટન તરીકે અત્યાર સુધી 21 સદી ફટકારી ચૂક્યો છે. આવામાં જો આજે ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં કિંગ કોહલી સદી બનાવે છે તો કેપ્ટન તરીકે સૌથી વધુ સદી બનાવવાના પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી લેશે. પોન્ટિંગે જ્યાં 230 મેચોમાં 22 સદી ફટકારી હતી, વળી કોહલી માત્ર 93 મેચોમાં 21 સદી ફટકારી ચૂક્યો છે.