ચેન્નઈ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે બીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધીમાં 8 વિકેટના નુકસાન પર 555 રન બનાવી લીધા હતા. જો રૂટની બેવડી સદીની મદદથી ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં છે. રૂટે પોતાની 100મી ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરતા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક ખાસ રેકોર્ડ નોંધાવી દીધો છે.


જો રૂટ પોતાની 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી નોંધાવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેની સાથે તે 98,99, અને 100મી ટેસ્ટમાં સતત સદી નોંધાવનાર પણ પહેલો ખેલાડી બની ગયો છે. ભારત સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રૂટ 218 રન બનાવીને આઉટ થયો હતો. રુટની આ પાંચમી બેવડી સદી છે. રૂટ સિક્સ ફટકારીને 200 રન પૂરા કરનાર ઇંગ્લેન્ડનો પહેલો ક્રિકેટર બન્યો.

પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવી 555 રન બનાવી લીધા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, શાહબાઝ નદિમ અને ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી.