IND vs ENG, Ravindra Jadeja Injury Update: વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચની વચ્ચે ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ફિટનેસને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હેમસ્ટ્રિંગની ઈજાથી પીડિત રવિન્દ્ર જાડેજા હાલ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. જો કે અહેવાલો અનુસાર જાડેજા ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.                                                                   


જાડેજા આખી શ્રેણીમાંથી બહાર થઈ શકે છે


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને મળેલી માહિતી મુજબ ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે. સામાન્ય રીતે, કોઈપણ ખેલાડીને હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થવામાં ત્રણથી આઠ અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં જાડેજાનું ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.                                          


જો રવિન્દ્ર જાડેજા આ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ જાય છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે. વાસ્તવમાં, આ સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ તેના ફેવરિટ ખેલાડીની ખૂબ મિસ કરશે.


પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન


રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચમાં બેટ અને બોલ બંનેથી શાનદાર રમત રમી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં જાડેજાએ કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે ભારત માટે 87 રનની અમૂલ્ય અડધી સદી રમી હતી. જો કે, તે ભારતને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો અને ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રનથી હરાવ્યું હતું. આ ટેસ્ટ બાદ જાડેજા ઈજાનો શિકાર બન્યો હતો અને તેને બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું.