નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ લૉર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમને જોરદાર માત આપીને ઇતિહાસ રચી દીધો, આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઇન્ડિયાની ખુશી આસમાને છે. પરંતુ આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે ખુદ બીસીસીઆઇએ શેર કર્યો છે. આ વીડિયોમાં ઇંગ્લિશ બૉલરોનો ઘમંડ તોડીને હંફાવનારા જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનુ સ્વાગત કરાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બીજી લૉર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમે 151 રને ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર માત આપીને ઇતિહાસ રચી દીધો છે. 


મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહેએ નવમી વિકેટ માટે જબરદસ્ત રેકોર્ડ ભાગીદારી નોંધાવી અને આ સાથે ઇંગ્લેન્ડની ટેસ્ટ જીતવાની આશાને સમાપ્ત કરી નાંખી હતી. જ્યારે વિરાટ કોહલીએ બીજી ઇનિંગને 8 વિકેટ બાદ 298 રને ડિકલેર કરવાની જાહેરાત કરી ત્યારે શમી અને બુમરાહ ડ્રેસિંગ રૂમમાં આવી રહ્યાં હતા. આ દરમિયાન તેમનુ સ્વાગત કરાયુ હતુ. 


બીસીસીઆઇએ પોતાની ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કરતા લખ્યું છે- વૉટ એ મોમેન્ટ્સ ધીશ એટ લૉર્ડ્સ.... વીડિયોમાં જોઇ શકાય છે કે, જ્યારે શમી અને બુમરાહ ડ્રેસિંગ રૂમમાં આવી રહ્યાં છે ત્યારે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ તે બન્નેને સ્ટેન્ડિંગ ઓવેશન આપી તાળીઓ સાથે જોરદાર સ્વાગત કરી રહ્યાં છે. 




ઉલ્લેખનીય છે કે, 9મી વિકેટ માટે શમી અને બુમરાહે 66 રનોની રેકોર્ડ પાર્ટનરશીપ કરી, જેમાં મોહમ્મદ શમીએ તાબડતોડ ફિફ્ટી (56 અણનમ) અને જસપ્રીત બુમરાહે 35 રન અણનમ રમત રમી હતી. બીજી ટેસ્ટને ટીમ ઇન્ડિયાએ શાનદાર બૉલિંગ પ્રદર્શનથી 151 રને જીતી લીધી હતી. 


ઉલ્લેખનીય છે કે, ઇંગ્લિશ ટીમે ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ સોંપી હતી, ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા 364 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 391 રન બનાવ્યા હતા. જોકે, બીજી ઇનિંગમાં ભારતીય ટીમે ફરી એકવાર શાનદાર બેટિંગ કરીને 8 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડ ટીમને જીત માટે 272 રનોનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ, પરંતુ ઇંગ્લિશ ટીમ બીજી ઇનિંગમાં માત્ર 120 રનોમાં જ ધરાશાયી થઇ ગઇ હતી. આ સાથે ભારતે ઇંગ્લન્ડ સામે લૉર્ડ્સમાં 151 રને ઐતિહાસિક જીત મેળવી લીધી હતી.