વિશાખાપટ્ટનમઃ  અહીં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસના ઇગ્લેન્ડે બે વિકેટના નુકશાન પર 87 રન બનાવી લીધા હતા. આવતીકાલે ટેસ્ટનો અંતિમ દિવસ છે ત્યારે ભારતને મેચ જીતવા માટે આઠ વિકેટની જરૂર છે જ્યારે ઇગ્લેન્ડે 318 રન બનાવવાના છે. એલેસ્ટર કુક 54 રને આઉટ થયો હતો. આ અગાઉ ભારતીય ટીમ 204 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પરિણામે ઇગ્લેન્ડને જીતવા માટે 405 રનનો પડકાર આપ્યો હતો. આ પહેલા ભારતની પ્રથમ ઇનિંગમાં 455 રનના જવાબમાં ઇંગ્લેન્ડ 255 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
 ચોથા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. રહાણે 26 રન પર આઉટ થયો હતો ત્યારબાદ કોઇ પણ બેટ્સમેન કમાલ બતાવી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 81 રન બનાવ્યા હતા. ત્યારબાદ અશ્વિન 7, સહા 2 આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 4 જ્યારે આદિલ રાશીદે 3 વિકેટ ઝડપી હતી.
ભારતે પહેલી ઇનિંગ્સમાં કોહલી અને ચેતેશ્વર પુજારાની સદીની મદદથી ભારત 455 રન બનાવવામાં સફળ રહ્યું હતું. તો બોલિંગમાં તરખાટ મચાવતા આર. અશ્વિને 5 વિકેટ ઝડપી ઇગ્લીશ ટીમને 255 રનમાં ઓલ આઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.