જોહનિસબર્ગઃ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં ભારતીય ટીમના અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા ફરીથી સાવ નિષ્ફળ નિવડ્યા હતા. પૂજારા માત્ર ત્રણ રને અને રહાણે ખાતું ખોલાવ્યા વિના શૂન્ય રને આઉટ થતાં ક્રિકેટ ચાહકો નારાજ છે. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર તૂટી પડ્યા છે અને  પૂજારા તથા રહાણેને 'PURANE' (પુરાને)  તરીકે સંબોધીને ટ્રોલ કરી રહ્યા છે.


સોમવારે મેચના પહેલા દિવસે પણ ઈન્ડિયન ટીમે એક જ ઓવરમાં પૂજારા અને રહાણેની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને બેટ્સમેનનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. રસપ્રદ વાત છે કે, ભારતીય ટીમના કેટલાક બોલર પૂજારા અને રહાણે કરતાં સારી બેટિંગ કરી રહ્યા છે. બોલરોની બેટિંગ એવરેજ પણ આ બંને ખેલાડી કરતા વધારે છે. તેના  કારણે બંનેને પડતા મૂકવાની માગણી સાથે સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. 


સોશિયલ મીડિયામાં ફેન્સ પૂજારા અને રહાણેની જોડીને 'PURANE' (પુરાને) તરીકે સંબોધી ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સના મત મુજબ હવે આ 2 બેટ્સમેનને વધારે તક ન આપી યુવા ખેલાડીને ટીમમાં પસંદ કરવા જોઈએ.


પૂજારાનું છેલ્લા એક વર્ષમાં પ્રદર્શન અત્યંત સૌથી ખરાબ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તેનું ફોર્મ કથળ્યું છે. 2021માં પૂજારાએ 14 ટેસ્ટમાં 28.08ની એવરેજથી 702 રન કર્યા હતા. પૂજારાએ 6 ફિફ્ટી ફટકારી હતી  પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 34.17નો હતો. ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટમાં શાનદાર ઇનિંગ્સ બાદ પૂજારા હાઈ સ્કોર નોંધવવામાં સતત નિષ્ફળ રહ્યો છે. ધીમી બેટિંગના કારણે તે ઘણી વાર ટ્રોલ પણ થયો છે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં પૂજારાએ પહેલી ઇનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં 16 રન કર્યા હતા. પૂજારા આ ટેસ્ટમાં પહેલી ઈનિંગ્સમાં માત્ર ત્રણ રન કરી શક્યો હતો.


અજિંક્ય રહાણે રહાણે પણ છેલ્લી 24 ઈનિંગથી સદી મારી શક્યો નથી. રહાણે પોતાની કારકિર્દીમાં 10મી વાર શૂન્ય રને આઉટ થયો હતો.