નવી દિલ્હી: અંડર-19 ટીમે ભારતીય ક્રિકેટ ચાહકોને ફરીથી જશ્ન મનાવવાની તક આપી છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 60 રનોથી હરાવી દીધું છે. આ જીતની સાથે ભારતે સેમિફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આ હારથી પાકિસ્તાનની ટીમ ટાઈટલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે.

50 ઓવરની મેચમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 305 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ ભારતીય બોલર્સ આગળ ઝઝૂમી ન શકી અને ફક્ત 245 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારતની સતત બીજી જીત છે.

ટાયરોને ફર્નાડો સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનર અર્જુન આઝાદે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ બીજી બાજુ સુવેદ પાર્કર 38 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ અર્જુનનો સાથ તિલક વર્માએ આપ્યો હતો. બંને બેટ્સમેનોએ સદી લગાવતાં ટીમ ઈન્ડિયાને 305 રન સુધી પહોંચાડી હતી.

મેન ઓફ ધ મેચ અર્જુને 111 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા હતાં. જ્યારે તિલકે 119 બોલમાં 10 ચોગ્ગા અને 1 સિક્સ લગાવી હતી. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને અબ્બાસ આફ્રિદીએ 3-3 વિકેટ ઝડપી હતી.


પાકિસ્તાન તરફથી મોહમ્મદ હૈરિસે 43 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે બાકીનાં પાકિસ્તાની બેટ્સમેન ભારતીય બોલર્સ સામે ટકી શક્યા ન હતા અને પાકિસ્તાની ટીમ 46.4 ઓવરમાં 245 રનનો સ્કોર બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.