કપિલ દેવ અને શ્રીનાથની ક્લબમાં સામેલ થયો ઉમેશ યાદવ, હૈદરાબાદ ટેસ્ટમાં કર્યું આ મોટું કારનામું, જાણો વિગત
જ્વાગલ શ્રીનાથે 1999માં કોલકાતામાં પાકિસ્તાન સામે ટેસ્ટમાં 13 વિકેટ લીધી હતી. જે બાદ 19 વર્ષે ભારતીય બોલરે ઘરઆંગણે આવી સિદ્ધી મેળવી હતી.
ઉમેશ યાદવ ભારતમાં રમતી વખતે ટેસ્ટમાં 10 વિકેટ લેવાનાની સિદ્ધી મેળવનારો ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. કપિલ દેવે 1985માં ચેન્નઈમાં પાકિસ્તાન સામે અને 1983માં અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આ કારનામું કર્યું હતું.
ટેસ્ટ મેચમાં 10 કે તેથી વધારે વિકેટ લેનારો ઉમેશ યાદવ ભારતનો 8મો ભારતીય ફાસ્ટ બોલર છે. આ પહેલા કપિલ દેવ, ચેતન શર્મા, વેંકટેશ પ્રસાદ, જવાગલ શ્રીનાથ, ઈરફાન પઠાણ, ઝહીર ખાન, ઈશાંત શર્મા આ કારનામું કરી ચુક્યા છે. કપિલ દેવ અને પઠાણ બે-બે વખત આ સિદ્ધી મેળવી હતી.
ઉમેશ યાદવ અત્યાર સુધીમાં 40 ટેસ્ટમાં 32.85ની સરેરાશથી 117 વિકેટ ઝડપી ચુક્યો છે.
હૈદરાબાદઃ ઉમેશ યાદવની શાનદાર બોલિંગની મદદથી ભારતે રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝને 127 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. ઉમેશ યાદવે ગેબ્રિયલને આઉટ કરવાની સાથે બીજી ઈનિંગમાં ચોથી વિકેટ લીધી હતી. આ રીતે તેણે મેચમાં 10 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે મેચમાં 133 રન આપીને 10 વિકેટ લઈ ટેસ્ટ ક્રિકેટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.