Hockey Asia Cup 2025: ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને હૉકી એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું. ભારતે એશિયા કપ ટ્રોફી ચોથી વખત જીતી છે. ટીમ ઈન્ડિયા માટે સુખજીત સિંહ, અમિત રોહિદાસે એક-એક ગોલ અને દિલપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા. આ સાથે ભારતે 2013 ની ફાઇનલની હારનો બદલો લીધો છે, જ્યારે દક્ષિણ કોરિયાએ ભારતને 4-3થી હરાવીને ટ્રોફી જીતી હતી.

ભારતે ચોથી વખત એશિયા કપ જીત્યો

સુખજીત સિંહે મેચની શરૂઆતની ક્ષણોમાં ગોલ કર્યો અને ટીમ ઈન્ડિયાને લીડ અપાવી હતી. ભારતને પહેલા ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો, પરંતુ ગોલ થઈ શક્યો નહીં. બીજો ક્વાર્ટર શરૂ જ થયો હતો જ્યારે જુગરાજ સિંહને 2 મિનિટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ મેદાન પર હતા, તેમ છતાં કોરિયન ટીમ ગોલ કરી શકી ન હતી. બીજા ક્વાર્ટરમાં દિલપ્રીત સિંહે ગોલ કર્યો અને ટીમ ઈન્ડિયાને 2-0ની લીડ અપાવી હતી.

ભારત હાફ-ટાઇમ સુધી 2-0થી આગળ હતું. ત્રીજા ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા ગોલ કરવામાં સફળ રહી હતી. દિલપ્રીત સિંહે મેચનો પોતાનો બીજો ગોલ કરીને ભારતને 3-0થી આગળ લઈ લીધું. ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં પણ કઠિન મુકાબલો જોવા મળ્યો, જ્યાં સિનિયર ખેલાડી અમિત રોહિદાસે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. કોરિયન ટીમ મેચમાં ફક્ત એક જ ગોલ કરી શકી હતી.

ટીમ ઈન્ડિયાએ બદલો લીધો

આ એ જ દક્ષિણ કોરિયા છે, જેણે 2013 એશિયા કપ ફાઇનલમાં ભારતને 4-3થી હરાવ્યું હતું. હવે 12 વર્ષની લાંબી રાહ જોયા પછી ભારતીય ટીમ તેનો બદલો લેવામાં સફળ રહી છે. આ એક મોટો સંયોગ પણ કહી શકાય કે છેલ્લા 31 વર્ષમાં ભારત અને દક્ષિણ કોરિયા સિવાય કોઈ ત્રીજી ટીમ હૉકી એશિયા કપનું ટાઈટલ જીતી શકી નથી. છેલ્લા 9 એશિયા કપ ટુર્નામેન્ટમાં દક્ષિણ કોરિયાએ પાંચ વખત ટ્રોફી જીતી છે અને ભારતે ચાર વખત જીતી છે.