નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેલિંગટનમાં રમાયેલ સીરીઝના પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેના પર પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર વીવીએસ લક્ષ્મણે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા છે. ભારતીય બેટ્સમેન પ્રથમ ઇનિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. ત્યાર બાદ બોલરોએ પણ કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું.


વીવીએસે કહ્યું કે, ભારતીય કેપ્ટન નવા બોલનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શક્યું, જે મોટી ભૂલ હતી. દિવસની શરૂઆતમાં વિરાટે ફાસ્ટ બોલર પાસે લાંબો સ્પેલ કરાવવો જોઈતો હતો, પરંતુ તેણે માત્ર ચાર ઓવર બાત જ અશ્વિનને બોલ આપી દીધો.



તેમણે કહ્યું કે, ટીમમાં તમારી પાસે ત્રણ ફાસ્ટ બોલર (ઇશાંત, બુમરાહ અને મોહમ્મદ શમી) છે, તે ન્યૂઝીલેન્ડના નિચલા ક્રમને ઝડપથી આઉટ કરી શક્યા હોત. પરંતુ કોહલીએ તેને તક ન આપીને મોટી ભૂલ કરી અને આ તે ટીમ માટે ભારે પડ્યું છે. વીવીએસે કહ્યું કે, મેચ દરમિયાન ડિફેન્સિવ ફીલ્ડિંગે પણ વિપક્ષી ટીમને રન બનાવવાની તક આપી.



આ ઉપરાંત લક્ષ્મણે કોહલીને સલાહ આપતા કહ્યું છે કે વિરાટ કોહલીએ મેદાનમાં ધીરજ રાખવાની જરૂર છે. જો તે મેદાન પર સમય પસાર કરશે તો મોટો સ્કોર નોંધાવી શકે છે. આ વાત ભારત માટે લાભદાયક રહેશે. નોંધનીય છે કે વિરાટ કોહલીએ મેચના પ્રથમ દાવમાં બે રન નોંધાવ્યા હતા જ્યારે બીજા દાવમાં તે 19 રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ભારતે બીજા દાવમાં ચાર વિકેટે 144 રન નોંધાવ્યા છે અને ટીમ હજી 39 રન પાછળ છે.