601 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમ મુશ્કેલીમાં આવી ગઇ છે. ઉમેશ યાદવે ડીન એલ્ગર (6) બૉલ્ડ અને એઇડન મારક્રમને (0) એબીડબલ્યૂ આઉટ કર્યો હતો. વળી, મોહમ્મદ શમીએ ટેમ્બા બવુમાને (8) રને સાહાના હાથમાં ઝીલાવી દીધો હતો. ભારતીય બૉલિંગ આક્રમણ સામે ફરી એકવાર આફ્રિકન બેટ્સમેનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
બીજા દિવસની રમત પૂર્ણ, દિવસના અંતે દક્ષિણ આફ્રિકા ત્રણ વિકેટ ગુમાવીને 36 રન બનાવી શકી છે.
ભારતે પહેલી ઇનિંગ 5 વિકેટ ગુમાવીને 601 રને ડિકલેર કરી દીધી છે. બીજા દિવસના છેલ્લા સેશનમાં જાડેજા આઉટ થતાંની સાથે જ ભારતે ઇનિંગ બ્રેક કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત તરફથી કેપ્ટન કોહલીએ તાબડતોડ બેટિંગ કરતાં ડબલ સેન્ચૂરી (254 રન) બનાવી અને જાડેજાએ આક્રમક અંદાજમાં 91 રન ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કગિસો રબાડાએ 3 વિકેટ તથા મહારાજ અને મુતુસામીએ 1-1 વિકેટ ઝડપી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
વિરાટ કોહલીએ ફટકારી ટેસ્ટમાં સાતમી ડબલ સેન્ચૂરી....
કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેરિયરમાં સાતમી વાર ડબલ સેન્ચૂરી ફટકારી દીધી છે. ખાસ વાત છે કે, સાતેય ડબલ સેન્ચૂરી કોહલીએ કેપ્ટન તરીકે જ બનાવ્યા છે. કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ ડબલ સેન્ચૂરી બનાવનારો પહેલો ખેલાડી અને ટૉપ પર છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા 5 ડબલ સેન્ચૂરી સાથે બીજા નંબર પર છે.
લંચ બાદ ભારતને ચોથો ઝટકો ઉપ-કેપ્ટન અજિંક્યે રહાણે (59 રન) રૂપમાં લાગ્યો હતો. આફ્રિકન સ્પીનર મહારાજે રહાણેને ડીકૉકના હાથમાં ઝીલાવી દીધો હતો.
કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કેરિયરનુ 26મુ શતક બનાવ્યુ છે, કોહલીએ પોતાની 81મી ટેસ્ટ મેચમાં 138મી ઇનિંગમાં પોતાની 26મી ટેસ્ટ સદી ફટકારી છે.
બીજા દિવસની રમત શરૂ થઇ ગઇ છે, ભારત તરફથી કેપ્ટન કોહલી અને ઉપકેપ્ટન રહાણે રમતમાં છે. પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કૉર 3 વિકેટે 273 રને પહોંચ્યો હતો. પ્રથમ દિવસે બેટિંગ કરતાં ઓપનર મયંક અગ્રવાલે જબરદસ્ત સદી (108) ફટકારી હતી.
ઉપરાંત પ્રથમ દિવસે પુજારા 58 રન અને કોહલીએ 63 રનની દમદાર ઇનિંગ રમી હતી. પ્રથમ દિવસે રોહિત શર્મા 14 રન બનાવીને રબાડાના બૉલ પર આઉટ થઇ ગયો હતો. બાદમાં પુજારા અને મયંક પણ રબાડાના હાથે કેચ આપીને પેવેલિયન ભેગા થયા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કગિસો રબાડાએ ત્રણેય વિકેટ ઝડપી હતી.
પ્રથમ દિવસની રમતના અંતે વિરાટ કોહલી (63 રન) અને અજિંક્યે રહાણે (18 રન) બનાવીને રમતમાં છે. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 75 રનની ભાગીદારી થઇ ચૂકી છે.
પુણેમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયામાં એક બદલાવ કરવામાં આવ્યો છે. હનુમા વિહારીના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.