Archery World Cup: ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં ટીમ ઈવેન્ટ્સમાં ક્લીન સ્વીપ અને ગોલ્ડ મેડલની હેટ્રિક સાથે નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું. સિઝનની આ પ્રથમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં, ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઇટાલીને 236-225 થી હરાવ્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ભારતીય ત્રિપુટીએ 24 તીરમાં માત્ર ચાર પોઈન્ટ ગુમાવ્યા અને છઠ્ઠી ક્રમાંકિત ઈટાલીને મોટા અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ સાથે પોતાનું ખાતું ખોલ્યું.


ભારતને એક દિવસમાં ત્રણ ગોલ્ડ મળ્યા


પુરૂષોની ટીમમાં અભિષેક વર્મા, પ્રિયાંશ અને પ્રથમેશ એફએ નેધરલેન્ડને 238-231થી હરાવ્યું. નેધરલેન્ડની ટીમમાં માઈક શ્લોસર, સિલ પીટર્સ અને સ્ટેફ વિલેમ્સ સામેલ હતા. આ પછી, ભારતની મિશ્ર ટીમે કમ્પાઉન્ડ કેટેગરીમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ક્લીન સ્વીપ કર્યું. જ્યોતિ અને અભિષેકની બીજી ક્રમાંકિત જોડીએ રોમાંચક મુકાબલામાં એસ્ટોનિયાના લિસેલ જાટમા અને રોબિન જાટમાની મિશ્ર જોડીને 158-157થી પરાજય આપ્યો હતો.






વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ માટે આ ડબલ ગોલ્ડ મેડલ હતો. તેણી વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક માટે દાવેદાર છે અને દિવસના અંતે તેણીની સેમિફાઇનલ રમશે. પ્રિયાંશ પણ કમ્પાઉન્ડ કેટેગરીમાં વ્યક્તિગત મેડલની રેસમાં છે. રિકર્વ કેટેગરીમાં મેડલ રાઉન્ડ રવિવારે યોજાશે અને ભારતની નજર ઓલિમ્પિક કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ પર રહેશે. ભારતીય પુરુષ ટીમ ગોલ્ડ મેડલ મેચમાં ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે ટકરાશે.