નવી દિલ્હીઃ આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં અનેક રેકોર્ડ બન્યા છે અન તૂટ્યા પણ છે. આવો જ એક રેકોર્ડ બુધવારે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન રિષભ પંતે પોતાના નામે નોંધાવ્યો છે. રિષભ પંતે વિતેલા ત્રણ વર્ષમાં આઈપીએલમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ તોડ્યો છે, જે વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ અને ક્રિસ ગેલના નામે હતો.

દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રિષભ પંતે હૈદરાબાદ સામે એલિમિનેટર મેચમાં 21 બૉલમાં 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 5 છગ્ગા ફટકાર્યા હતા. આ છગ્ગાઓની મદદથી રિષભ પંતે પોતાના નામે એક ખાસ રેકૉર્ડ બનાવ્યો છે.



છેલ્લા 3 વર્ષની અંદર આઈપીએલમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનાં મામલે રિષભ પંતનું નામ સૌથી ઉપર છે. રિષભ પંતે વેસ્ટઇન્ડીઝનાં ક્રિસ ગેલ અને આન્દ્રે રસેલને પણ પછાડ્યા છે. ક્રિસ ગેલની વાત કરીએ તો તેણે 2017થી અત્યાર સુધી 75 છગ્ગા લગાવ્યા છે. જ્યારે આન્દ્રે રસેલે કુલ 83 છગ્ગા લગાવ્યા છે.

હૈદરાબાદ સામે 5 છગ્ગા લગાવનાર રિષભ પંતે આ બંને ખેલાડીઓને છગ્ગા લગાવવાનાં મામલે પછાડ્યા છે. રિષભ પંતનાં નામે કુલ 87 છગ્ગા છે અને હજુ પણ તે ઓછામાં ઓછી એક ઇનિંગ રમશે. જ્યારે આન્દ્રે રસેલ અને ક્રિસ ગેલની ટીમ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે.