IPL 2020: મોહમ્મદ સિરાજની આગ ઝરતી બોલિંગે રચ્યો ઈતિહાસ, IPLમાં નથી કરી શક્યો કોઈ બોલર આ કારનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2020 09:28 PM (IST)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આઈપીએલમાં બોલિંગમાં નવો કીર્તિમાન બનાવ્યો હતો. તેની કાતિલ બોલિંગ સામે કેકેઆરના બેટ્સમેનોએ ઘૂંટણ ટેકવી દીધા હતા.
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 39મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. જોકે કોલકાતાના કેપ્ટન મોર્ગનનો ફેંસલો ઉંધો પડ્યો હતો અને 3 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેની કળ કેકેઆરને ક્યારેય વળી નહોતી અને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 84 રન બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આઈપીએલમાં બોલિંગમાં નવો કીર્તિમાન બનાવ્યો હતો. તેની કાતિલ બોલિંગ સામે કેકેઆરના બેટ્સમેનોએ ઘૂંટણ ટેકવી દીધા હતા. આ દરમિયાન સિરાજે મોટો રેકોર્ડ તેના નામે કર્યો હતો. સિરાજે કેકેઆર સામે સતત બે ઓવર મેડન નાંખી હતી. આઈપીએલ મેચમાં સતત બે ઓવર મેડન નાંખનારો તે પ્રથમ બોલર છે. આ ઉપરાંત તે આરસીબીનો મેડન ઓવર સાથે બે વિકેટ લેનારો ચોથો બોલર બન્યો હતો. આ પહેલા અનિલ કુંબલે, સેમ્યુઅલ બદ્રી અને ડિલન ડુ પ્રીઝ આ કારનામું કરી ચૂક્યા છે. સિરાજે આજની મેચમાં 4 ઓવરના સ્પેલમાં 2 ઓવર મેડન નાંખીને 8 રનમાં 3 વિકેટ ઝડપી હતી.