નવી દિલ્હીઃ આઇપીએલ 2021ના બીજા ફેઝમાં સીએસકેને પહેલી હાર મળી છે, ગઇકાલે રમાયેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને જોરદાર માત આપીને બધાને ચોંકાવી દીધા, કેમ કે સ્કૉર એટલો બધા વધુ હોવા છતાં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેનોએ બેટિંગના દમ પર મેચ જીતાડી દીધી હતી. ચેન્નાઇ તરફથી મળેલા 189 રનના સ્કૉરને રાજસ્થાન રૉયલ્સે આસાનીથી 15 બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો, આ જીતનો શ્રેય યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જાસ્વાસને ફાળે જાય છે. ધોની પણ જાયસ્વાલની બેટિંગથી પ્રભાવિત થયો હતો અને તેને પોતાની સહી કરેલુ બેટ ગિફ્ટ કર્યુ હતુ. 


દુબઇના શેખ જાયેદ સ્ટેડિયમમાં ગઇકાલે આઇપીએલની મેચ રમાઇ એકબાજુ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ હતી તો બીજી બાજુ સંજૂ સેમસનની આગેવાની વાળી રાજસ્થાન રૉયલ્સ હતી. રાજસ્થાને ટૉસ જીતને પ્રથમ બૉલિંગ પસંદ કરી, ચેન્નાઇની ટીમે શાનદાર શરૂઆત બાદ 20 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 189 રન બનાવ્યા, ચેન્નાઇ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી પણ ફટકારી હતી. 


જોકે, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સે આ મેચ આસાનીથી જીતી લીધી. ઓપનર બેટ્સમે યશસ્વી જ જાયસ્વાલે ફરી એકવાર તાબડતોડ બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા. જાયસ્વાલે 21 બૉલમાં સીએસકેના બૉલરોને ચારેય બાજુ ફટકાર્યા, 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે જાયસ્વાલે 50 રન બનાવ્યા આ સાથે જ ટીમને મજબૂત શરૂઆત મળી ગઇ. મેચ બાદ ધોનીએ જાયસ્વાલની બેટિંગની પ્રસંશા કરી અને તેને પોતાની સહી વાળુ બેટ ગિફ્ટ આપ્યુ હતુ. 


આઇપીએલના પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો હાલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ 12 મેચોમાં 9 જીત અને 3 હાર સાથે 18 પૉઇન્ટ મેળવીને નંબર વન પર છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ આટલા જ પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. રાજસ્થાન રૉયલ્સ આ જીત સાથે હવે પૉઇન્ટ ટેબલમાં 12 મેચોમાં 5 જીત અને 7 હાર સાથે 10 પૉઇન્ટ મેળવીને છઠ્ઠા નંબર પર આવી ગઇ છે.