IPL 2021: આઇપીએલ 2021માં પ્લેઓફની રેસ વધુ દિલચસ્પ બની ગઇ છે. ટૉપની ટીમોમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ છે. જ્યારે ત્રીજા નંબરની ટીમ તરીકે પંજાબની હરાવીને બેંગ્લૉરે પોતાનુ નામ લગભગ પાક્કુ કરી લીધુ છે. હવે ચોથા નંબરની સ્થાન પર જોરદાર રસાકસી શરૂ થઇ છે કેમ કે ચોથા નંબરના સ્થાન માટે બે ટીમો વચ્ચે જંગ જામ્યો છે. એક છે રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ અને બીજી છે ઇયૉન મોર્ગનની કોલકત્તા નાઇટ રાઇડર્સ. 


આઇપીએલ પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઋષભ પંતની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સ ટીમ ચેન્નાઇને હરાવીને 20 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે ધોનીની સીએસકે 18 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે, અને ત્રીજા નંબર પર વિરાટ કોહલીની આરસીબી છે જેને 16 પૉઇન્ટ મેળવ્યા છે. આ બધાની વચ્ચે ચોથા નંબર માટે રોહિત અને મોર્ગન વચ્ચે રસાકસી જામી છે. એક સ્થાન માટે બે ટીમો દાવેદાર બની છે, પરંતુ આગળની મેચો પર બન્નેને દારોમદાર રહેલો છે. 


ઇયોન મોર્ગનની આગેવાની વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ગુરુવારે રાજસ્થાન વિરુદ્ધ પોતાની છેલ્લી મેચ જીતી લે છે તો તેનુ પ્લેઓફમાં પહોંચવુ લગભગ પાક્કુ થઇ જશે. આનુ કારણ એ છે કે મુંબઇ ઇન્ડિયન્સ કરતા તેની નેટ રન રેટ પ્લસમાં છે. 


બીજીબાજુ મુંબઇ ઇન્ડિયન્સ છે, રોહિતની આગેવાની વાળી ટીમને આગામી શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાવવાનુ છે, જો આ મેચ મુંબઇ જીતી જશે તો તેના ચાન્સ પણ પ્લેઓફ માટે રહેશે. જોકે, સામે કેકેઆરની હારની રાહ પણ તેમના માટે મહત્વની છે. રોહિતની હેદરાબાદ સામે સારા રનરેટથી મેચ જીતવી જરૂરી છે. આ જીત સાથે રોહિતની ટીમને 14 પૉઇન્ટ થઇ જશે. 


જોકે, આ બધાની વચ્ચે પંજાબ અને રાજસ્થાનને પણ એક-એક મેચ રમવાની છે, અને આ મેચમાં જો બન્ને ટીમોની જીત થશે તો ગણિત બદલાઇ પણ શકે છે. ઉલ્લેખનીય છે કે એક સ્થાન માટે બે ટીમોનો જંગ છે, પરંતુ હાર-જીતથી ગણિત બદલાઇ પણ શકે છે.