મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી આ મહિને થવાની છે. આ મેગા હરાજી પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલ ફ્રેન્ચાઈઝી ટીમોને પ્લેયરને રિટેન કરવા મા આપેલી સમયમર્યાદા મંગળવારે પૂરી થઈ હતી. આ મુદત પૂરી થતાં હવે રિટેન થયેલા અને પડતા મૂકાયેલા ખેલાડીઓની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
આઈપીએલની તમામ ટીમોમાં મુંબઈ, ચેન્નાઈ અને દિલ્હી એ ત્રણ ટીમે ચાર-ચાર ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો. બાકીની ટીમે ચારથી ઓછા ખેલાડીને રીટેન કર્યા છે. આ પૈકી સૌથી આશ્ચર્યજનક પસંદગી ઋષભ પંતની છે કે જેને દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયા આપીને રીટેન કર્યો છે. તાજેતરમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પંત સાવ નિષ્ફળ ગો હોવા છતાં તેને આટલી જંગી રકમ અપાઈ તેના કારણે ક્રિકેટ દર્શકો આશ્ચર્યમાં પડી ગયા છે.
ઋષભ પંત પર લગાવ્યો દિલ્હીએ દાંવ
આઇપીએલની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પર મોટો દાંવ લગાવ્યો છે. ટીમે રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યર, રબાડા, રહાણે, અશ્વિન, હેટમેયર જેવા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરીને ઋષભ પંતને રિટેન કર્યો છે. ટીમે ઋષભ પંતને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ટીમે ઋષભ પંત ઉપરાંત અક્ષર પટેલ, પૃથ્વી શૉ, ઓનરિક નોર્ખિયાને પણ રિટેન કર્યા છે. ઋષભ પંત શરૂઆતથી જ આઇપીએલમાં દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે, અને ટીમે તેને સતત રિટેન પણ કર્યો છે. સામાન્ય રીતે તેને દિલ્હી કેપિટલ્સ 15 કરોડ રૂપિયા વાર્ષિક પેકેજ આપે છે, પરંતુ આ વખતે ટીમે તેને 16 કરોડ રૂપિયામાં રિટેનને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે.
ઋષભ પંતની આઇપીએલ કેરિયર
24 વર્ષીય ઋષભ પંત અત્યાર સુધી 84 આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેને 35.2ની એવરેજ અને 147.5ની સ્ટ્રાઇક રેટથી 2498 રન બનાવ્યા છે. ખાસ વાત છે કે, ગત સિઝનમાં રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં ફ્રેન્ચાઇઝીએ ઋષભ પંતને દિલ્હીની કમાન સોંપી હતી, અને પંતની આગેવાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ક્વાર્ટરફાઇનલ સુધીની સફર પુરી કરી હતી, જોકે, ફાઇનલ સુધી ટીમ ન હતી પહોંચી શકી. પહેલીવાર ટીમની કેપ્ટનશીપ કરતા ઋષભ પંતે ધોનીની ચેન્નાઇ અને રોહિતની મુંબઇ જેવી ટીમોને માત આપી હતી.