નવી દિલ્હીઃ આઈપીએલ 2020ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વર્ષે રમાનાર આ બહુચર્ચિત ટી20 લીગ માટે 19 ડિસેમ્બરે હરાજી થશે. બીસીસીઆઈએ પ્રથમ વખત તેના માટે સ્થાનમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે અને આ વખતે કોલકાતામાં હરાજી કરવામાં આવશે. આ પહેલા હરાજી બેંગલુરુમાં થતી આવી રહી છે. આ વર્ષે પણ હરાજી વિતેલી સીઝનની જેમ જ મોટા પાયે નહીં થાય અને તેના માટે ટ્રેડિંગ વિન્ડો 14 નવેમ્બરે જ બંધ થઈ જશે.

હાલ હરાજી માટે દિલ્હીની ટીમ પાસે સૌથી વધારે રૂપિયા છે. નોંધનીય છે કે, ફ્રેન્ચાઈઝી નક્કી કરેલ કરતાં ઓછી રકમમાં ખેલાડીને લઈને ટીમ બનાવે તો બાકીની રકમ ફ્રેન્ચાઈઝીના ખાતામાં જમા થઈ જાય છે અને તે રકમ આગામી હરાજીમાં ખર્ચ કરી શકે છે. આમ આ રીતે દિલ્હી પાસૈ સૌથી વધારે રૂપિયા છે જેનો ઉપયોગ તે આગામી હરાજી દરમિયાન કરી શકે છે.



દિલ્હી કેપિટલ્સ પાસે જ્યાં 8.2 કરોડ રૂપિયાની છે ત્યાં રાજસ્થાન રૉયલ્સ પાસે 7.15 કરોડ, કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 6.05 કરોડ, સનરાઇઝ્સ હૈદરાબાદ પાસે 5.3 કરોડ, કિંગ્સ ઇલેવન પંજાબ પાસે 3.7 કરોડ, ચેન્નઇ સુપર કિંગ્સ પાસે 3.2 કરોડ, મુંબઇ ઇન્ડિયન્સ પાસે 3.05 કરોડ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે 1.8 કરોડનું બેલેન્સ છે.