IPL 2026 ની ફાઇનલ નજીક આવી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલાથી જ ટાઇટલ ટક્કરમાં સ્થાન મેળવી ચૂક્યું છે. બીજા ફાઇનલિસ્ટનો ખુલાસો 29 મેના રોજ થશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર-2 માં ટકરાશે. આ મેચમાં ફરી એકવાર બધાની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે.
વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોની ધોલાઈ કરી હતી. તેણે 97 રનની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 12 છગ્ગા સાથે ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા. ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર 2 મેચમાં વૈભવ ત્રણ મોટા રેકોર્ડ તોડી શકે છે. તમામ ક્રિકેટ ચાહકોને નજર હાલ તો વૈભવ સૂર્યવંશી પર છે.
IPLમાં સૌથી ઝડપી 1000 રન
IPLમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન સાઈ સુદર્શન છે. તેણે 25 ઇનિંગમાં 1000 રનનો આંકડો પાર કર્યો. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી 22 ઇનિંગમાં 932 રન બનાવ્યા છે. ક્વોલિફાયર 2 માં ગુજરાત સામે વૈભવ તેની 23મી ઇનિંગમાં 68 રન બનાવીને 1,000 રન પૂર્ણ કરી શકે છે. આમ કરીને વૈભવ 1,000 IPL રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બનશે.
IPL માં સૌથી ઝડપી 100 સિક્સર
વૈભવ સૂર્યવંશીએ તેની ટૂંકી IPL કારકિર્દીમાં અત્યાર સુધી 402 બોલનો સામનો કર્યો છે અને 89 સિક્સર ફટકારી છે. જો વૈભવ ક્વોલિફાયર 2 માં વધુ 11 સિક્સર ફટકારે છે, તો તે IPL માં સૌથી ઓછા બોલમાં 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ ઉમેરશે. હાલમાં, આ રેકોર્ડ આન્દ્રે રસેલના નામે છે, જેમણે 657 બોલનો સામનો કરીને 100 સિક્સર ફટકારી હતી.
એક સિઝનમાં 700 રન
રાજસ્થાન રોયલ્સના ઇતિહાસની વાત કરીએ તો ફક્ત જોસ બટલરે એક સિઝનમાં 800 થી વધુ રન બનાવ્યા છે. રાજસ્થાનના અન્ય કોઈ બેટ્સમેન એક સિઝનમાં 700 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી. 15 વર્ષીય વૈભવ એક સિઝનમાં 700+ રન બનાવનાર બીજો આરઆર બેટ્સમેન બની શકે છે. આમ કરવા માટે, તેને ગુજરાત સામે 20 રન બનાવવાની જરૂર છે.
આ પણ વાંચો- Orange-Purple Cap: IPL 2026 પ્લેઓફ વચ્ચે બદલાઈ ગઈ તસવીર, જાણો કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ
ઇન્ડિયન પ્રીમિયર લીગની એક જ સિઝનમાં કોઈ ખેલાડીએ એટલા રેકોર્ડ તોડ્યા નથી જેટલા 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2026 સીઝનમાં બનાવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં, વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રનની ઇનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા અને એક જ ઝટકામાં અનેક ઓલટાઇમ રેકોર્ડ તોડી નાખ્યા. હવે, ક્વોલિફાયર 2 માં વૈભવ સૂર્યવંશીના ફોર્મને જોતાં તેની પાસે બીજો મોટો રેકોર્ડ બનાવવાની શાનદાર તક છે.
