હૈદરાબાદમાં રમાઈ રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની મેચમાં હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે કોઈ પણ બેટ્સમેન ક્યારેય ન ઈચ્છે. રાજસ્થાન સામે શૂન્ય (0) રને આઉટ થતાં જ અભિષેકે એક જ વર્ષમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત ડક (શૂન્ય) પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આ મામલે તેણે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને સંજુ સેમસનને પણ પાછળ છોડી દીધા છે.
જોફ્રા આર્ચરના પહેલા જ બોલે થયો આઉટ
IPL ની 19મી સીઝનની 21મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં સૌની નજર હૈદરાબાદની ખતરનાક ઓપનિંગ જોડી ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા પર હતી, પરંતુ હૈદરાબાદની શરૂઆત બહુ જ ખરાબ રહી. રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના પહેલા જ બોલ પર મોટો શોટ મારવાના ચક્કરમાં અભિષેક ડીપ થર્ડ મેન પર કેચ આપી બેઠો અને પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં.
એક જ વર્ષમાં સૌથી વધુ શૂન્યનો ખરાબ રેકોર્ડ
અભિષેક શર્મા માટે વર્ષ 2026 T20 ક્રિકેટમાં ઘણું ખરાબ સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપ પછી તે સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ મેચમાં આઉટ થવાની સાથે જ તે T20 ક્રિકેટના ઇતિહાસમાં એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારો ભારતીય ખેલાડી બની ગયો છે. પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે રોહિત શર્મા અને સંજુ સેમસનના નામે હતો, પણ હવે અભિષેક પહેલા નંબરે આવી ગયો છે. વર્ષ 2026 માં અભિષેકે કુલ 18 T20 મેચ રમી છે, જેમાંથી 7 ઈનિંગ્સમાં તો તે ઝીરો પર આઉટ થયો છે (જેમાં 4 વખત ગોલ્ડન ડક સામેલ છે). આ પહેલા 2018 માં રોહિત શર્મા અને 2024 માં સંજુ સેમસન 6-6 વખત શૂન્ય રને આઉટ થયા હતા.
T20 ક્રિકેટમાં એક જ વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારા ભારતીય ખેલાડીઓ:
અભિષેક શર્મા: 7 શૂન્ય (18 ઈનિંગ્સ, 2026)
રોહિત શર્મા: 6 શૂન્ય (32 ઈનિંગ્સ, 2018)
સંજુ સેમસન: 6 શૂન્ય (32 ઈનિંગ્સ, 2024)
ગુરકીરત સિંહ માન: 5 શૂન્ય (19 ઈનિંગ્સ, 2013)
2026 માં અભિષેકનું ફોર્મ કેવું રહ્યું?
ભલે ICC T20 બેટ્સમેનોના રેન્કિંગમાં અભિષેક નંબર-1 ના સ્થાને હોય, પણ 2026 નું વર્ષ તેના માટે કોઈ ખરાબ સપના જેવું રહ્યું છે. આ વર્ષે 18 મેચોમાં તેણે 26.58 ની સાધારણ સરેરાશથી માત્ર 452 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 5 ફિફ્ટી (અડધી સદી) જરૂર નીકળી છે, પણ તે એકેય સદી ફટકારી શક્યો નથી.
