• ઐતિહાસિક ફિફ્ટી: માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી SRH માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો.
  • પાવર હિટિંગ: પોતાની ફિફ્ટીના 50 માંથી 44 રન માત્ર 9 બોલમાં (બાઉન્ડ્રી દ્વારા) ફટકાર્યા.
  • 2000 રનનો આંકડો: આ મેચ દરમિયાન અભિષેકે IPL કરિયરમાં પોતાના 2000 રન પૂર્ણ કર્યા.

Abhishek Sharma fastest fifty: IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના ઓપનર અભિષેક શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી મેચમાં ધમાકેદાર બેટિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. ચેન્નાઈના બોલરો સામે તોફાની બેટિંગ કરતા અભિષેકે માત્ર 15 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. આ સાથે જ તેણે IPL ના ઇતિહાસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નવાઈની વાત એ છે કે, પોતાની ફિફ્ટી પૂરી કરતી વખતે 50 માંથી 44 રન તો તેણે માત્ર 9 બોલમાં બાઉન્ડ્રી ફટકારીને જ બનાવી દીધા હતા.

પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો

આ શાનદાર ઇનિંગ સાથે અભિષેક શર્મા હવે SRH માટે સૌથી ઓછાં બોલમાં ફિફ્ટી મારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડના નામે હતો, બંનેએ 16 બોલમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ હવે અભિષેકે 15 બોલમાં ફિફ્ટી લગાવીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા પણ તે 18 બોલમાં 2 વાર અને 19 બોલમાં 1 વાર ફિફ્ટી ફટકારી ચૂક્યો છે.

માત્ર 9 બોલમાં 44 રન!

CSK સામેની આ મેચમાં અભિષેકે પોતાની 15 બોલની અડધી સદીમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે 44 રન તો સીધા બાઉન્ડ્રીથી જ આવ્યા હતા. ઓવરઓલ આ મેચમાં તેણે 22 બોલ રમીને 59 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના કારણે હૈદરાબાદની ટીમ પાવરપ્લેમાં 75 રનના મજબૂત સ્કોર સુધી પહોંચી શકી હતી.

IPL માં 2000 રનનો આંકડો પાર કર્યો

આ 59 રનની ઇનિંગની સાથે જ અભિષેક શર્માએ પોતાની IPL કરિયરમાં 2000 રનનો આંકડો પણ પાર કરી લીધો છે. CSK સામે મેદાનમાં ઉતર્યા પહેલા તેણે 82 મેચમાં 1945 રન બનાવ્યા હતા. આ મેચમાં 55 રન પાર કરતાની સાથે જ તેણે 2000 રનની ક્લબમાં એન્ટ્રી મારી લીધી હતી. તેણે પોતાની 83મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. જો આપણે ચાલુ સીઝન IPL 2026 ની વાત કરીએ તો, અભિષેકે અત્યાર સુધી 6 મેચ રમીને કુલ 179 રન બનાવ્યા છે.