Cheteshwar Pujara: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના બોલ પર સિક્સર ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. પૂજારાએ ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં આ સિક્સ ફટકારી હતી. શાહીનના બોલ પર અપર કટ મારતા પૂજારાએ બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો.






વાસ્તવમાં ચેતેશ્વર પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 2માં Sussex ટીમ તરફથી ક્રિકેટ રમી રહ્યો છે. પાકિસ્તાની સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ તેની ટીમમાં રમી રહ્યો છે. Sussex ની ટીમ હાલમાં Middlesex સામે 4 દિવસીય મેચ રમી રહી છે.


આ રીતે પૂજારાએ સિક્સર ફટકારી હતી


મેચના ત્રીજા દિવસે Sussex ની ટીમ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી હતી. અહીં ટીમે માત્ર 6 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ચેતેશ્વર પૂજારા ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન આફ્રિદી ઇનિંગની ત્રીજી ઓવરમાં પૂજારા સામે બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર શાહિને સારી લેન્થ પર બાઉન્સ બોલ ફેંક્યો, જેના પર પૂજારાએ અપર કટ મારતા બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો.


પૂજારાએ ચાહકોનું દિલ જીતી લીધું હતું


તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ શોટના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- દિલ જીતી લીધુ. જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું- શાહીનના બોલ પર પૂજારાએ કેટલો શાનદાર શોટ ફટકાર્યો.


પૂજારાએ આ સિઝનમાં 2 બેવડી સદી ફટકારી છે


મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા Sussexએ 392 રન બનાવ્યા હતા. પૂજારાએ પ્રથમ ઇનિંગમાં માત્ર 16 રન બનાવ્યા હતા. જવાબમાં Middlesexએ પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા. હાલમાં Sussex તેની બીજી ઇનિંગ રમી રહી છે. પૂજારાએ આ કાઉન્ટી સિઝનમાં અત્યાર સુધીમાં 2 બેવડી સદી ફટકારી છે. તેણે છેલ્લી મેચમાં ડરહામ સામે 334 બોલમાં 203 રન બનાવ્યા હતા.