CSK vs MI Full Highlights 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) નો ખરાબ સમય પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મુંબઈને 8 વિકેટથી શરમજનક હાર આપી છે. પહેલા બેટિંગ કરતા મુંબઈએ 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ચેન્નાઈએ ઋતુરાજ ગાયકવાડ અને યુવા ખેલાડી કાર્તિક શર્માની શાનદાર બેટિંગના જોરે આસાનીથી પાર કરી લીધો. 9 મેચમાં મુંબઈની આ 7 મી હાર છે, જેનાથી તેમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓને 440 વોલ્ટનો મોટો ઝટકો લાગ્યો છે.
શું મુંબઈ પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે?
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું 8 વિકેટની આ કારમી હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે? તો જવાબ છે, ના. મુંબઈ માટે હજુ પણ પ્લેઓફના દરવાજા સંપૂર્ણપણે બંધ નથી થયા, પરંતુ અંતિમ 4 માં પહોંચવાનો તેમનો રસ્તો હવે પહેલા કરતા ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. જો હવે MI ને પ્લેઓફમાં જગ્યા બનાવવી હોય, તો તેમણે તેમની બાકીની બધી જ મેચો ફરજિયાત જીતવી પડશે અને અન્ય ટીમોની મેચોના પરિણામો પણ તેમની તરફેણમાં આવે તેવી પ્રાર્થના કરવી પડશે.
ઋતુરાજ અને કાર્તિકનો મેદાન પર તરખાટ
160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત થોડી ડગમગતી રહી હતી. સંજુ સેમસન માત્ર 11 રન બનાવીને વહેલો આઉટ થઈ ગયો હતો, જ્યારે ઉર્વિલ પટેલે 24 રનનું યોગદાન આપ્યું હતું. 62 રનના સ્કોર પર જ ચેન્નાઈએ પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારપછી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને યુવા બેટ્સમેન કાર્તિક શર્માએ બાજી સંભાળી લીધી અને બંને છેક સુધી અણનમ રહ્યા. બંને વચ્ચે 98 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી.
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
ઋતુરાજે 48 બોલમાં 67 રનની ધમાકેદાર ઇનિંગ રમીને IPL 2026 ની પોતાની સળંગ બીજી અડધી સદી ફટકારી હતી. બીજી તરફ, કાર્તિક શર્માએ પણ 54 રન બનાવીને પોતાની IPL કરિયરની પહેલી ફિફ્ટી પૂરી કરી હતી. આ સાથે જ કાર્તિક CSK માટે અડધી સદી ફટકારનાર બીજો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. (આ રેકોર્ડ આયુષ મ્હાત્રેના નામે છે, જેણે ચેન્નાઈ માટે સૌથી નાની ઉંમરે ફિફ્ટી ફટકારી છે).
ચેન્નાઈએ ત્રીજી વખત મુંબઈ પર જમાવ્યો દબદબો
IPL ના ઇતિહાસમાં આ માત્ર ત્રીજી વખત બન્યું છે જ્યારે ચેન્નાઈએ કોઈ એક જ સિઝનની બંને લીગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ક્લીન સ્વીપ કર્યું હોય. આ અગાઉ CSK એ 2014 અને 2023 ની સિઝનમાં પણ મુંબઈ સામે આવો દબદબો બનાવ્યો હતો. નોંધનીય છે કે, IPL 2026 માં જ્યારે આ બંને કટ્ટર હરીફો પહેલી વખત ટકરાયા હતા, ત્યારે પણ ચેન્નાઈએ મુંબઈને 103 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. અને હવે, આ બીજી મેચમાં પણ 8 વિકેટથી હરાવીને ચેન્નાઈએ પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું છે.
વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
