CSK vs PBKS Playing-11: IPL 2024ની 49મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ ચેન્નાઈના હૉમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાશે. પ્રદર્શનમાં સાતત્યના અભાવે ઝઝૂમી રહેલી ચેન્નાઈની ટીમ પંજાબ સામે ટકરાશે ત્યારે તેની નજર રમતના તમામ વિભાગોમાં સંયુક્ત પ્રદર્શન પર ટકેલી રહેશે.


આ મેચમાં વિજય CSKની સ્થિતિ મજબૂત કરશે અને પ્લેઓફ માટેનો તેમનો દાવો પણ મજબૂત કરશે. આ મેચમાં CSKને જૉની બેયરર્સ્ટો, શશાંકસિંહ અને ફિનિશર આશુતોષ શર્મા ઉપર બધાની નજર રહેશે. શશાંક અને આશુતોષના જબદસ્ત બેટિંગ કરી રહ્યાં છે. જ્યારે બેયરર્સ્ટોએ કોલકાતા સામેની તેની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી અને રેકોર્ડ જીત અપાવી હતી. 


પૉઇન્ટ ટેબલની સ્થિતિ 
ચેન્નાઈના 9 મેચમાંથી 10 પોઈન્ટ છે જે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ જેવા છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચોક્કસપણે જીત સાથે આ ટીમોને પાછળ છોડવાનો પ્રયાસ કરશે. જો કે, તેમની ચિંતા વધી ગઈ છે કારણ કે પંજાબની ટીમ કોલકાતા સામે 262 રનના T20 ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યાંકને હાંસલ કર્યા બાદ આ મેચ રમી રહી છે. પંજાબ કિંગ્સના નવ મેચમાં છ પોઈન્ટ છે. ચેપોક એ સુપર કિંગ્સનો ગઢ છે જ્યાં બોલરોને પિચ પસંદ છે અને યજમાનોએ છેલ્લી મેચમાં સનરાઇઝર્સ સામે 78 રનથી આસાન જીત નોંધાવી હતી.


ઝાકળ-ભેજના કારણે ચેજ કરવું બનશે આસાન 
તે રાત્રે ચેન્નાઈમાં ઝાકળ ન હતી અને બેટ્સમેનોએ 200 થી વધુ રન બનાવ્યા પછી, CSK બોલરોએ તેમની સચોટ અને વૈવિધ્યસભર બોલિંગ વડે મજબૂત સનરાઈઝર્સ બેટિંગ યૂનિટને તોડી પાડ્યુ હતુ. ચેન્નાઈએ પંજાબ સામે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે અને તમામની નજર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર રહેશે જેઓ ફોર્મમાં પરત ફર્યા છે.


ગાયકવાડે તેની છેલ્લી બે ઇનિંગ્સમાં 108 અને 98 રન બનાવ્યા છે અને ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલે પણ હૈદરાબાદ સામે 32 બોલમાં 52 રન ફટકારીને યોગ્ય સમયે પોતાની લય પકડી લીધી છે. જો કે, સુપર કિંગ્સની બેટિંગ લાઇન-અપમાં તોફાની બેટ્સમેન શિવમ દુબે છે, જેણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને વિરોધી બોલરોની જબરદસ્ત ધુલાઇ કરી છે. સ્પિન સામે સારી રીતે રમનારા ડાબા હાથના બેટ્સમેન દુબેએ વર્તમાન સિઝનમાં ઝડપી બોલરો સામે અસરકારક પ્રદર્શન કરીને હવે તેની બેટિંગમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 


રહાણે આઉટ ઓફ ફોર્મ 
દુબેએ અત્યાર સુધીમાં 350 રન બનાવ્યા છે, જે ગાયકવાડના 447 રન પછી સુપર કિંગ્સ માટે બીજો સર્વોચ્ચ સ્કૉરર છે. તેણે 172.41ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે અને આ મામલામાં ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની (259.45) પછી બીજા ક્રમે છે. જોકે આ સિઝનમાં અત્યાર સુધી સુપર કિંગ્સની ઓપનિંગ સારી રહી નથી. ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે ડ્રોપ કરાયેલા રચિન રવિન્દ્ર અને અજિંક્ય રહાણે તેમના કેપ્ટનને સાથ આપી શક્યા નથી.


ઓપનિંગ બેટ્સમેન તરીકે રહાણેએ છેલ્લી ચાર ઇનિંગ્સમાં 05, 36, 01 અને 09 રન બનાવ્યા જે તેના અનુભવ અને કૌશલ્યને અનુરૂપ નથી. ટીમ તેને વધુ તક આપે તેવી પૂરી સંભાવના છે. બેટિંગ કોચ માઈકલ હસીએ પણ કહ્યું હતું કે આ 35 વર્ષીય બેટ્સમેન મોટી ઈનિંગ રમવાની નજીક છે.


પંજાબ ટીમ પર આમના પર રહેશે નજર 
બીજી તરફ, પંજાબ કિંગ્સ ટીમ રેકોર્ડ લક્ષ્ય હાંસલ કર્યા પછી ગતિ ચાલુ રાખવા અને પોઈન્ટ ટેબલમાં વર્તમાન આઠમા સ્થાનેથી આગળ વધવા માટે આતુર હશે. આ માટે ટીમને ફરી એકવાર બેટ્સમેનો પાસેથી સંયુક્ત પ્રદર્શનની અપેક્ષા છે. જવાબદારી ફરી એકવાર જોની બેયરર્સ્ટો, શશાંકસિંહ અને પ્રભસિમરનસિંહના ખભા પર હશે, જેમણે નાઈટ રાઈડર્સ વિરુદ્ધ સદી ફટકારી હતી. જોકે, ટીમ વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માનું વધુ પ્રભાવશાળી પ્રદર્શન ઈચ્છશે.


કાગીસો રબાડા, હર્ષલ પટેલ, અર્શદીપસિંહ અને સેમ કરન જેવા અનુભવી બોલરોની હાજરી હોવા છતાં પંજાબ કિંગ્સનું બોલિંગ આક્રમણ થોડું નબળું દેખાય છે. મુલાકાતી ટીમને તેના સ્પિનરો હરપ્રીત બ્રાર અને રાહુલ ચાહરના સારા પ્રદર્શનની પણ જરૂર છે કારણ કે તેઓએ આ સિઝનમાં માત્ર સાત વિકેટ લીધી છે. આ સિવાય નિયમિત કેપ્ટન શિખર ધવન વાપસી કરે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું.


બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11 
ચેન્નાઈ સુપર કિંગ્સ: - 
ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, મોઈન અલી, દીપક ચહર, તુષાર દેશપાંડે, મથિશા પાથિરાના, મુસ્તફિઝુર રહેમાન 
[ઈમ્પેક્ટ સબ: શાર્દુલ ઠાકુર/સમીર રિઝવી]


પંજાબ કિંગ્સ: - 
પ્રભસિમરન સિંઘ/શિખર ધવન, જોની બેયરર્સ્ટો, રીલે રૂસો, શશાંકસિંહ, સેમ કરન, જીતેશ શર્મા, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ 
[ઈમ્પેક્ટ સબ: રાહુલ ચહર]