ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે (RR) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 8 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર જીત નોંધાવી છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં રાજસ્થાનના બોલરોએ તરખાટ મચાવતા ચેન્નાઈની આખી ટીમને માત્ર 19.4 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેના જવાબમાં રાજસ્થાને આક્રમક બેટિંગ કરતા માત્ર 12.1 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર કરી લીધું હતું અને 47 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ જીતનો અસલી હીરો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો હતો, જેણે માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને ચેન્નાઈના બોલરોની હવા કાઢી નાખી હતી.

વરસાદનો ફાયદો અને ચેન્નાઈનો મોટો ધબડકો

આ મેચની શરૂઆત પહેલા જ વરસાદ પડ્યો હતો, જેના કારણે પીચ લાંબા સમય સુધી કવરથી ઢંકાયેલી રહી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે આ પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવવા ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એકદમ સાચો સાબિત થયો. શરૂઆતથી જ રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને નંદ્રે બર્ગરે પીચમાંથી મળતી મદદનો ફાયદો ઉઠાવીને ચેન્નાઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા.

પરિણામે ચેન્નાઈનો ટોપ ઓર્ડર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો અને માત્ર 19 રનના સ્કોર પર 3 મોટી વિકેટો પડી ગઈ હતી. ઇનિંગની શરૂઆત કરવા આવેલા સંજુ સેમસન અને રુતુરાજ ગાયકવાડ માત્ર 6-6 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા, જ્યારે ત્રીજા નંબરે આવેલો આયુષ મ્હાત્રે તો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ધીમે ધીમે વિકેટો પડતી રહી અને ચેન્નાઈ કોઈ મોટો સ્કોર ઊભો કરી શકી નહીં. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈને 1-1 વિકેટ મળી હતી.

રન ચેઝમાં વૈભવનું વાવાઝોડું અને રાજસ્થાનની દમદાર જીત

128 રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. બંનેએ માત્ર 38 બોલમાં પહેલી વિકેટ માટે 75 રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી. આ દરમિયાન વૈભવે તોફાની બેટિંગ કરતા માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. તે 17 બોલમાં 52 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને આઉટ થયો હતો.

વૈભવના આઉટ થયા પછી પણ રાજસ્થાનની રફતાર ધીમી પડી નહોતી. યશસ્વી જયસ્વાલે ધ્રુવ જુરેલ સાથે મળીને બીજી વિકેટ માટે 13 બોલમાં 24 રન જોડ્યા હતા. જુરેલ આઉટ થયા પછી યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રિયાન પરાગે ત્રીજી વિકેટ માટે 22 બોલમાં 29 રનની અતૂટ ભાગીદારી કરી અને ટીમને એક શાનદાર અને એકતરફી જીત અપાવી દીધી.