CSK vs SRH Preview: અત્યાર સુધી મોટાભાગની મેચોમાં પોતાના બેટ્સમેનોના દમ પર જીત હાંસલ કરનારી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સોમવારે IPLમાં ટકરાશે. આ મેચમાં બેટિંગમાં સારુ પ્રદર્શન કરનારી ટીમની જીતવાની શક્યતા વધુ છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે. જોકે, હૈદરાબાદ ચેન્નઈ કરતાં સારી સ્થિતિમાં છે. તેમના 12 મેચમાંથી 14 પોઈન્ટ છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. 12 મેચમાંથી 12 પોઈન્ટ સાથે ચેન્નઈ છઠ્ઠા સ્થાને છે. બેટિંગ કોચ માઈકલ હસીએ કહ્યું હતું કે, બાકીની બે મેચ તેમના માટે ફાઇનલ જેવી બની ગઈ છે.
ટોપ-ઓર્ડરના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું
જ્યારે પણ ચેન્નઈના ટોપ-ઓર્ડરના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે ટીમ જીતી છે. તેથી, સંજૂ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્માએ પોતાની તકો જીવંત રાખવા માટે સારું પ્રદર્શન કરવું પડશે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી મેચમાં ફક્ત કાર્તિકે સારું પ્રદર્શન કર્યું હતું. શિવમ દુબે અને તેના સાથી ખેલાડીઓએ અંતિમ ઓવરોમાં આક્રમક ઇનિંગ્સ રમી પરંતુ ટીમના બોલરો 188 રનના લક્ષ્યનો બચાવ કરવામાં અસમર્થ રહ્યા હતા.
ઝડપી બોલર અંશુલ કંબોજે અગાઉ વિકેટ લેવાની સારી ક્ષમતા દર્શાવી હતી પરંતુ છેલ્લી મેચમાં તેણે માત્ર 2.4 ઓવરમાં 63 રન આપ્યા હતા. તેનો ઇકોનોમી રેટ 23.62 હતો, જે T20 ક્રિકેટમાં ઓછામાં ઓછા 15 બોલ ફેંકનાર બોલરનું સૌથી ખરાબ પ્રદર્શન છે. તેને ટૂંક સમયમાં તેની લય શોધવાની જરૂર છે.
આ પણ વાંચોઃ પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
ટુર્નામેન્ટમાં બેટિંગ સૌથી મજબૂત લાગે છે
સનરાઇઝર્સની બેટિંગ ક્યારેક ટુર્નામેન્ટમાં સૌથી મજબૂત લાગે છે, પરંતુ ક્યારેક તે નિષ્ફળ જાય છે, જેમ કે છેલ્લી મેચમાં જોવા મળ્યું હતું. ગુજરાત ટાઇટન્સ સામે 169 રનના લક્ષ્યનો પીછો કરતા આખી ટીમ 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સે તે શરમજનક પ્રદર્શનને પાછળ છોડી દેવું જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે પોતાનું જૂનું ફોર્મ પાછું મેળવવું જોઈએ. આ માટે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને ઇશાન કિશન પોતાનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જાળવી રાખે તે જરૂરી છે.
અત્યાર સુધી સતત પ્રદર્શન કરી રહેલા હેનરિક ક્લાસેન પણ છેલ્લી મેચમાં નિષ્ફળ ગયો હતો. સનરાઇઝર્સની બોલિંગની વાત કરીએ તો તેમના કેપ્ટન અને ઝડપી બોલર પેટ કમિન્સે સારુ પ્રદર્શન કર્યું છે, પરંતુ ઇશાન મલિંગા છેલ્લી મેચમાં મોંઘો સાબિત થયો હતો. ચેપોકની ધીમી પિચ પર સ્પિનર શિવાંગ કુમાર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સનરાઇઝર્સે આ બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચ 10 રનથી જીતી હતી અને તેઓ તેમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરશે.
