DC vs RCB, Virat Kohli, Royal Challengers Bangalore: IPL 2023 ની 50મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી અને ડુ પ્લેસિસે પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.
વિરાટે ઇતિહાસ રચ્યો
દિલ્હી તરફથી અક્ષર પટેલે બીજી ઓવર કરી હતી. આ ઓવરના પાંચમા બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો અને તેના 12 રન પૂરા થયા હતા. વિરાટ કોહલીએ મેચમાં 12 રન બનાવતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તે IPLના ઈતિહાસમાં 7000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા કોહલીએ IPLમાં 232 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 224 ઇનિંગ્સમાં 36.59ની એવરેજ અને 129.58ની સ્ટ્રાઇક રેટથી 6,988 રન બનાવ્યા હતા. કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 5 સદી અને 49 અડધી સદી ફટકારી છે.
અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન
વિરાટ કોહલી IPL 2023માં 9 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 9 ઇનિંગ્સમાં 45.50ની એવરેજ અને 137.88ની સ્ટ્રાઇક રેટથી 364 રન બનાવ્યા હતા. તે ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ યાદીમાં બીજા નંબર પર શિખર ધવન છે જેણે 212 ઇનિંગ્સમાં 6536 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબરે ડેવિડ વોર્નર, ચોથા નંબરે રોહિત શર્મા અને પાંચમા નંબરે સુરેશ રૈના છે.
IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
વિરાટ કોહલી: 7000* રન
શિખન ધવન: 6536 રન
ડેવિડ વોર્નર: 6189 રન
રોહિત શર્માઃ 6063 રન
સુરેશ રૈના: 5528 રન
પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. દિલ્હીને 182 રનનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો છે. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તે સિવાય મહિપાલ લોમરોરે પણ અડધી સદી ફટકારી હતી. મહિપાલે 29 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 32 બોલમાં 45 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 11 અને અનુજ રાવતે અણનમ આઠ રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. દિલ્હી તરફથી મિશેલ માર્શે બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ અને મુકેશ કુમારને એક-એક સફળતા મળી હતી.