GT vs SRH, IPL 2026 Highlights: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) મંગળવારે (12 મે) ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ 82 રનથી જીત્યું હતું. ગુજરાતે હૈદરાબાદને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ હૈદરાબાદ ફક્ત 86 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ વિજયથી ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સે 12 માંથી આઠ મેચ જીતી છે અને 16 પોઈન્ટ હાંસલ કર્યા છે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ 12 માંથી સાત મેચ જીતી ચૂક્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના 14 પોઈન્ટ છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
હોલ્ડર અને રબાડાનું શાનદાર પ્રદર્શન
રન ચેઝમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં હૈદરાબાદની ચાર વિકેટ પડી ગઈ. મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને શૂન્ય પર આઉટ કર્યો હતો. રબાડાએ અભિષેક શર્મા (6 રન), ઇશાન કિશન (11 રન) અને સ્મરણ રવિચંદ્રન (9 રન) ને આઉટ કર્યા. સ્મરણ આઉટ થયો ત્યારે હૈદરાબાદનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 32 રન હતો. સલિલ અરોરાએ કેટલાક સારા શોટ રમ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. સલિલ (16 રન) ને પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો.
હોલ્ડરે હેનરિક ક્લાસેન (14 રન) અને નીતિશ કુમાર રેડ્ડી (2 રન) ને એક જ ઓવરમાં આઉટ કર્યા જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 60/7 થઈ ગયો. શિવાંગ કુમાર (4 રન), પેટ કમિન્સ (19 રન) અને પ્રફુલ હિંગે (3 રન) આઉટ થનારા છેલ્લા ત્રણ બેટ્સમેન હતા. ગુજરાત તરફથી રબાડા અને જેસન હોલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ લીધી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી. રાશિદ ખાન અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ IPL 2026 Playoffs Chances: ચેન્નઈ-કોલકાતાથી લઈ RCB, કઈ ટીમની પ્લેઓફમાં જવાની કેટલા ટકા શક્યતા? જાણો
ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે 168 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સે શરૂઆત નબળી રહી, કેપ્ટન શુભમન ગિલ (5 રન) ને ત્રીજી ઓવરમાં પ્રફુલે આઉટ કર્યો બાદમાં પ્રફુલે ખતરનાક બેટ્સમેન જોસ બટલર (7 રન) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ નિશાંત સિંધુ અને સાઈ સુદર્શને ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને સ્થિર કરી હતી. નિશાંતે 22 રનનું યોગદાન આપ્યું હતું.
વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શને ચોથી વિકેટ માટે શાનદાર 60 રનની ભાગીદારી કરી હતી. સુદર્શને 44 બોલમાં 61 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. સુદર્શનને ફાસ્ટ બોલર શાકિબ હુસૈને આઉટ કર્યો. સુદર્શનના આઉટ થયા પછી વોશિંગ્ટન સુંદરે બાજી સંભાળી. સુંદરે 33 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી.
