Hardik Pandya CSK Trade Deal: IPL ની આગામી સીઝનની તૈયારીઓ વચ્ચે હાર્દિક પંડ્યાના ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં જોડાવાને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચાઓએ ફરીથી જોર પકડ્યું છે. થોડા અઠવાડિયા પહેલા ભલે CSK ના CEO કાશી વિશ્વનાથને હાર્દિકના ટ્રેડ અંગેના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હોય, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ ચેન્નાઈ હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ મેગા ટ્રેડ ડીલ માટે CSK મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને પોતાના 2 સ્ટાર ખેલાડીઓ અને સાથે 10 કરોડ રૂપિયા રોકડા આપવા માટે તૈયાર થઈ ગયું છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ ડીલ ફાઈનલ થશે, તો તે 20 કરોડ રૂપિયાથી પણ વધુની બની શકે છે. હાર્દિક પંડ્યા એક કમ્પ્લીટ ઓલરાઉન્ડર અને શાનદાર કેપ્ટન હોવાથી ચેન્નાઈ તેના પર કોઈ પણ ભોગે દાવ રમવા માંગે છે.
MI ની માંગ અને CSK નો નવો વળતો પ્રસ્તાવ
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાના બદલામાં ચેન્નાઈ પાસે શિવમ દુબે અને આયુષ મ્હાત્રેની માંગણી કરી હતી. મુંબઈની ટીમ મેનેજમેન્ટ 19 વર્ષીય યુવા ઓપનર આયુષ મ્હાત્રેને ભવિષ્યના મોટા સ્ટાર તરીકે જોઈ રહી છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના આ ઉભરતા સ્ટાર ખેલાડીને કોઈ પણ ભોગે રિલીઝ કરવા તૈયાર નથી.
આ સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ સમક્ષ એક નવો અને આકર્ષક વળતો પ્રસ્તાવ મૂક્યો છે. CSK શિવમ દુબેને તો રિલીઝ કરવા તૈયાર છે, પરંતુ તેમણે આયુષ મ્હાત્રેની જગ્યાએ ડેવાલ્ડ બ્રેવિસને મુંબઈ મોકલવાની ઓફર કરી છે. આટલું જ નહીં, CSK શિવમ દુબે અને ડેવાલ્ડ બ્રેવિસની સાથે હાર્દિક પંડ્યા માટે વધારાના 10 કરોડ રૂપિયા રોકડા ચૂકવવા પણ તૈયાર છે. જો બંને ફ્રેન્ચાઇઝીઓ આ શરતો પર સહમત થશે, તો આખી ટ્રેડ ડીલ 20 કરોડ રૂપિયાથી પણ વધુ રકમની થઈ જશે.
આ પણ વાંચોઃ શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શા માટે હાર્દિક પંડ્યા છે બેસ્ટ પેકેજ?
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવા બહુ ઓછા ઓલરાઉન્ડર જોવા મળ્યા છે જે મિડલ ઓર્ડરમાં ધમાકેદાર બેટિંગ કરવાની સાથે સાથે શાનદાર નેતૃત્વ કૌશલ્ય (કેપ્ટનશિપ) પણ ધરાવતા હોય. ભલે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી 3 સીઝનમાં ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યું હોય, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ગુજરાત ટાઈટન્સે તેની જ કેપ્ટનશિપ હેઠળ 2022 માં IPL નું ટાઈટલ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો હતો.
હાર્દિક ક્રિકેટની દુનિયામાં એક 'ટોટલ પેકેજ' માનવામાં આવે છે. કોઈપણ ફ્રેન્ચાઈઝી તેના પર આંખ બંધ કરીને કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જશે, કારણ કે તે T20 મેચોમાં પૂરી 4 ઓવરની ધારદાર બોલિંગ કરી શકે છે, મિડલ ઓર્ડરમાં રમીને એક બેસ્ટ ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે અને આખી ટીમનું શાનદાર નેતૃત્વ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
આ પણ વાંચોઃ T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
