Hardik Pandya injury update: IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે અત્યારે સમય બિલકુલ બરાબર નથી ચાલી રહ્યો. એક તરફ તે પોતાની કેપ્ટનશિપ અને ખરાબ પ્રદર્શનના કારણે સતત ટ્રોલિંગનો શિકાર બની રહ્યો છે, તો બીજી તરફ હવે તેને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મહત્વની મેચમાંથી બહાર બેસવાનો વારો આવ્યો હતો. આ મેચમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ટોસ કરીને ટીમની કમાન સંભાળી હતી અને સ્પષ્ટતા કરી હતી કે હાર્દિકની તબિયત સારી નથી. આ સમાચાર બાદ ક્રિકેટ ચાહકોના મનમાં સ્વાભાવિક રીતે જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે હાર્દિકને શું થયું છે, તે કેટલી મેચો ગુમાવશે અને મેદાન પર ક્યારે પાછો ફરશે?

ક્યારે પાછો ફરી શકશે હાર્દિક?

મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યા પીઠના દુખાવાથી પીડાઈ રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આ કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ તેને જલ્દી રિકવર થવા માટે પૂરતા આરામની જરૂર છે. હજુ સુધી ફ્રેન્ચાઈઝી દ્વારા આ ઈજાની ગંભીરતા અંગે કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી, પરંતુ સામાન્ય રીતે આવા પીઠના દુખાવામાં 1 થી 2 દિવસ આઈસ પેક લગાવવાથી રાહત મળી જતી હોય છે. જો દુખાવો થોડો વધારે હોય, તો પણ એકાદ અઠવાડિયાના આરામ પછી ખેલાડી મેચ રમવા માટે ફિટ થઈ જાય છે.

શું મુંબઈની આગામી મેચો ચૂકવી પડશે?

જો હાર્દિકને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં એક અઠવાડિયાનો સમય પણ લાગે, તો પણ કદાચ તેને મુંબઈની એક પણ મેચ ચૂકવી નહીં પડે. તેનું મુખ્ય કારણ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ હવે 6 દિવસ પછી રમાવાની છે. આ 6 દિવસના લાંબા બ્રેક દરમિયાન પંડ્યા પાસે આરામ કરવાનો પૂરતો સમય છે અને તે સરળતાથી પોતાની ઈજામાંથી સાજો થઈને મેદાનમાં ઉતરી શકે છે.

9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ

આ સિઝનમાં સાવ ફ્લોપ રહ્યો છે હાર્દિક

આ સિઝનમાં હાર્દિક પંડ્યાનું અંગત પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે, જેના કારણે તેને ચારેબાજુથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી રમેલી 8 મેચોમાં માત્ર 20.86 ની સાધારણ સરેરાશથી 146 રન જ બનાવ્યા છે. બેટિંગમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. બીજી તરફ, બોલિંગ વિભાગમાં પણ તેનું પ્રદર્શન નબળું રહ્યું છે અને અત્યાર સુધીમાં તે માત્ર 4 વિકેટ જ ઝડપી શક્યો છે.

IPL 2026: કોલકાતાની જીતની હેટ્રિક! હૈદરાબાદને તેના જ ગઢમાં હરાવ્યું, જાણો કેવી રીતે પલટાઈ ગેમ