ICC T20I Rankings 2026: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો સતત વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મંગળવારે (5 મે, 2026) ના રોજ તેનું વાર્ષિક રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ટીમ ઇન્ડિયાએ પુરુષોની T20I રેન્કિંગમાં પોતાનું બાદશાહી સ્થાન જાળવી રાખ્યું છે. આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપ જીતનારી 'મેન ઇન બ્લુ' ટીમ 275 રેટિંગ સાથે દુનિયાની નંબર 1 ટીમ બની રહી છે. બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આંકડા અત્યંત નિરાશાજનક રહ્યા છે, કારણ કે તેઓ ટોપ 5 ટીમોની યાદીમાંથી પણ બહાર ફેંકાઈ ગયા છે.

કેવી રીતે નક્કી થયું નવું રેન્કિંગ?

ICC ના આ નવા વાર્ષિક અપડેટમાં મે 2025 પછી રમાયેલી તમામ મેચોને 100 ટકા રેટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે તેના પહેલાના બે વર્ષની મેચોને 50 ટકા વેઈટેજ અપાયું છે. આ ગણતરી મુજબ, ભારતની બીજા નંબરની ટીમ ઇંગ્લેન્ડ પરની લીડ 14 થી ઘટીને 13 પોઈન્ટ થઈ ગઈ છે. મહિલા ક્રિકેટની વાત કરીએ તો, ત્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોચ પર છે, જોકે ઇંગ્લેન્ડ સામે તેમની લીડ 18 થી ઘટીને 12 પોઈન્ટ પર આવી ગઈ છે.

ટોપ 5 ટીમો અને પાકિસ્તાનની સ્થિતિ

ભારતીય ટીમ 275 રેટિંગ પોઈન્ટ સાથે શિખર પર બિરાજમાન છે. ઇંગ્લેન્ડ 262 રેટિંગ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા 258 રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે. ચોથા નંબરે ન્યુઝીલેન્ડ (247 રેટિંગ) અને પાંચમા ક્રમે દક્ષિણ આફ્રિકા (244 રેટિંગ) એ સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનની ટીમ 240 રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે, જે દર્શાવે છે કે પાકિસ્તાની ક્રિકેટ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમો પણ હવે ધીરે-ધીરે ઉપર આવી રહી છે.

IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ

ઇટાલીનો ચમત્કાર અને રેન્કિંગમાં ઘટાડો

આ વખતે રેન્કિંગમાં સૌથી મોટો ઉછાળો ઇટાલીની ટીમે માર્યો છે. 2026 માં પહેલીવાર T20 વર્લ્ડ કપ રમનાર ઇટાલીએ નેપાળ જેવી ટીમને 10 વિકેટથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ શાનદાર પ્રદર્શનના જોરે ઇટાલી હવે 3 સ્થાન આગળ વધીને 23મા ક્રમે પહોંચી ગયું છે. બીજી તરફ, ICC એ રેન્કિંગમાં ટીમોની સંખ્યા 102 થી ઘટાડીને 98 કરી દીધી છે. ફિજી, ગામ્બિયા, ગ્રીસ અને ઇઝરાયેલ જેવી ટીમો છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછી 8 T20 મેચ રમી શકી નથી, તેથી તેમને આ યાદીમાંથી દૂર કરવામાં આવી છે.

T20I રેન્કિંગની ટોપ 10 ટીમો

રેન્કિંગટીમરેટિંગ
1ભારત275
2ઇંગ્લેન્ડ262
3ઓસ્ટ્રેલિયા258
4ન્યુઝીલેન્ડ247
5દક્ષિણ આફ્રિકા244
6પાકિસ્તાન240
7વેસ્ટ ઇન્ડીઝ233
8બાંગ્લાદેશ225
9શ્રીલંકા221
10અફઘાનિસ્તાન220