IPL 2023 Match 1, CSK vs GT: આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરૂઆત થશે. પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ ટકરાશે. જો કે આ મેચ પહેલા ધોનીની ઈજાના કારણે ચેન્નઈની મુશ્કેલીઓ વધી ગઈ છે.
41 વર્ષીય એમએસ ધોનીને ચેન્નઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ગુરુવારે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન તેણે બેટિંગ કરી ન હતી. જ્યારે CSKના CEO કાશી વિશ્વનાથનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યાં સુધી મારી વાત છે કેપ્ટન 100 ટકા રમશે. હું અન્ય કોઈપણ ઘટના અંગે જાણતો નથી.
પંડ્યા ધોનીને ઘણીવાર પોતાનો મેન્ટર ગણાવી ચૂક્યો છે. તે ફરી એકવાર ધોનીનો સામનો કરવા તૈયાર છે. છેલ્લી સીઝનમાં ગુજરાતની ટીમ ચેન્નઇને બે વખત હરાવી ચૂકી હતી.
શુભમન ગિલ તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને રાશિદ ખાન પણ શાનદાર ફોર્મમાં છે. પંડ્યાએ પોતે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી છે અને છેલ્લી IPLમાં ઈજામાંથી પરત ફર્યા બાદ બોલ અને બેટથી અસરકારક પ્રદર્શન કરી રહ્યો છે.
ટીમને આ મેચમાં અનુભવી ડેવિડ મિલરની ખોટ પડશે, પરંતુ રાહુલ તેવટિયાએ છેલ્લા કેટલાક સમયથી બેટથી સારો દેખાવ કર્યો છે. ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી કેન વિલિયમ્સન પણ ટીમમાં છે. જો કે તેને આ ફોર્મેટમાં બહુ ખતરનાક માનવામાં આવતો નથી, પરંતુ ઓછા સ્કોરવાળી મેચોમાં તે ટીમને ઉગારી શકે છે.
બીજી તરફ ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે છેલ્લી સીઝન ઘણી ખરાબ રહી હતી અને ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને હતી. હવે ધોની 42 વર્ષનો છે, પરંતુ કેપ્ટનશિપની બાબતમાં તેનો કોઇ તોડ નથી.
શુક્રવારથી 16મી સીઝન શરૂ થશે ત્યારે સ્પર્ધામાં ઘણા ફેરફારો જોવા મળશે. 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમને કારણે 12 ખેલાડીઓ મેચમાં રમશે. પોતાના સંસાધનોનો ખૂબ જ સમજી-વિચારીને ઉપયોગ કરનાર ધોની જરૂર પડ્યે પોતાને 'ઈમ્પેક્ટ પ્લેયર' બનાવી શકે છે.
ચેન્નૃઈ માટે બેન સ્ટોક્સની હાજરી ચોક્કસપણે વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકશે, પરંતુ ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન ગુજરાત ટાઈટન્સ સામે બોલિંગ કરશે નહીં. ટીમની શરૂઆતની ઈલેવનમાં ડેવોન કોનવે, સ્ટોક્સ અને મોઈન અલી જેવા વિદેશી ખેલાડીઓ સામેલ હશે.
જોકે, ટીમનું પ્રદર્શન મોટાભાગે રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ અને ધોની કેવું પ્રદર્શન કરે છે તેના પર નિર્ભર રહેશે. ધોની પાસે મેથિસા પથિરાના જેવા ઝડપી બોલરનો વિકલ્પ પણ હશે, જે સ્પિનર મહેશ તિક્ષણા અને લસિથ મલિંગા જેવી બોલિંગ કરે છે.
ગુજરાતની ટીમ પાસે મોહમ્મદ શમી સિવાય કોઈ ભરોસાપાત્ર ભારતીય ઝડપી બોલર નથી. શિવમ માવી ટીમમાં આવી ગયો છે પરંતુ લોકી ફર્ગ્યુસનને પડતો મૂકવાનો નિર્ણય સમજની બહાર હતો. એ જોવાનું રહેશે કે અલઝારી જોસેફ ભારતીય પિચો પર કેટલો પ્રભાવશાળી સાબિત થશે.