Akash Deep LSG 2025: IPL 2025માં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે થવાનો છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલાં લખનૌ માટે એક સારા સમાચાર આવ્યા છે. ટીમનો એક ઘાતક બોલર ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈને ટીમમાં પરત ફર્યો છે, જેનાથી લખનૌની બોલિંગ લાઇનઅપ વધુ મજબૂત બનશે.
આજે LSG અને MI વચ્ચેની ટક્કર લખનૌના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે ટીમના સ્ટાર ઝડપી બોલર આકાશ દીપ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને મુંબઈ સામેની મેચ માટે ટીમ સાથે જોડાઈ ગયો છે.
આકાશ દીપને લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025ની મેગા ઓક્શનમાં રૂ. 8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. હવે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) દ્વારા તેમને 100 ટકા ફિટ જાહેર કરવામાં આવ્યા છે. આકાશ દીપે વર્ષ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં પણ પદાર્પણ કર્યું હતું. આકાશ દીપ ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા પણ ગયા હતા, પરંતુ ઈજાના કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની એક પણ મેચ રમી શક્યા નહોતા.
ક્રિકબઝના એક અહેવાલ અનુસાર, આકાશ દીપ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં રમતા જોવા મળી શકે છે. આ પહેલાં લખનૌનું બોલિંગ આક્રમણ થોડું નબળું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં આકાશ દીપના ટીમમાં જોડાવાથી બોલિંગ વિભાગને ઘણી હદ સુધી મજબૂતી મળશે.
મહત્વની વાત એ છે કે આ પહેલાં જ ઝડપી બોલર અવેશ ખાન પણ ઈજામાંથી સાજો થઈને ટીમમાં પરત ફર્યો છે. હવે અવેશ ખાનની સાથે આકાશ દીપ પણ લખનૌની ટીમમાં સામેલ થતાં ટીમ પાસે એવા ઘણા બોલરોનો વિકલ્પ ઉપલબ્ધ થશે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમી ચૂક્યા છે. આશા છે કે આકાશ દીપને મુંબઈ ઈન્ડિયન્સ સામેની અંતિમ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ માટે લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે છે: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ સિંહ રાઠી, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, પ્રિન્સ દીપક યાદવ.
આકાશ દીપના ટીમમાં જોડાવાથી લખનૌ સુપર જાયન્ટ્સના બોલિંગ આક્રમણને નવી ધાર મળશે અને ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આકાશ દીપ પોતાની ફિટનેસ સાબિત કરીને ટીમ માટે કેટલો ઉપયોગી સાબિત થાય છે.