Digvesh Rathi IPL 2025: IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સના યુવા સ્પિનર દિગ્વેશ રાઠી પોતાની બોલિંગથી તો પ્રભાવિત કરી જ રહ્યા છે, પરંતુ તેમની એક ખાસ પ્રકારની ઉજવણીના કારણે તેઓ વારંવાર વિવાદોમાં સપડાઈ રહ્યા છે. મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં વેચાયેલા દિગ્વેશ રાઠીને તેની આ ઉજવણીના કારણે અત્યાર સુધી લાખો રૂપિયાની મેચ ફી ગુમાવવી પડી છે. BCCI દ્વારા આ સિઝનમાં બીજી વખત તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

દિગ્વેશ રાઠી વિકેટ લીધા બાદ બેટ્સમેનને આઉટ કરીને એક ખાસ અંદાજમાં ઉજવણી કરે છે, જેમાં તેઓ નોટબુકમાં કંઈક લખતા હોય તેવી ચેષ્ટા કરે છે. જો કે, બીસીસીઆઈને તેમની આ ઉજવણી બિલકુલ પસંદ નથી આવી રહી અને તેના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સૌપ્રથમ, દિગ્વેશ રાઠીએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં પ્રિયાંશ આર્યની વિકેટ લીધા બાદ આ રીતે ઉજવણી કરી હતી. તેમણે પ્રિયાંશ આર્ય સાથે ખભાને સ્પર્શ કર્યો અને પછી નોટબુકમાં કંઈક લખવાની એક્ટિંગ કરી હતી. આ ઘટના બાદ બીસીસીઆઈએ તુરંત જ કાર્યવાહી કરી અને દિગ્વેશ રાઠીના ખાતામાં 1 ડીમેરિટ પોઈન્ટ ઉમેર્યો અને તેમની મેચ ફીના 25 ટકા કાપી લીધા હતા. દિગ્વેશ રાઠીને દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયા ફી મળે છે, જેમાંથી 25 ટકા એટલે કે 1.87 લાખ રૂપિયાનો દંડ તેમને ભરવો પડ્યો હતો.

જો કે, આ ઘટના બાદ પણ દિગ્વેશ રાઠીએ પોતાની આ હરકતનું પુનરાવર્તન કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં તેમણે નમન ધીરને આઉટ કર્યા બાદ ફરીથી નોટબુક સેલિબ્રેશન કર્યું હતું. આ વખતે તેમણે બેટ્સમેન સાથે ખભે ખભા મિલાવ્યા નહોતા, પરંતુ બીસીસીઆઈએ તેમની આ ઉજવણીને ગંભીરતાથી લીધી અને ફરી એકવાર તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. આ વખતે તેમને પેનલ્ટી તરીકે 2 ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે અને તેમની મેચ ફીના 50 ટકા કાપવામાં આવ્યા છે. એટલે કે મુંબઈ સામેની મેચ માટે તેમને મળનારી 7.5 લાખ રૂપિયાની ફીમાંથી 3.75 લાખ રૂપિયાનો દંડ થશે.

આમ, દિગ્વેશ રાઠીએ પોતાની આ બે ઉજવણીઓના કારણે અત્યાર સુધીમાં કુલ 5.62 લાખ રૂપિયાની મેચ ફી ગુમાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે IPLમાં દિગ્વેશ રાઠીની આ પહેલી જ સિઝન છે. લખનૌ સુપર જાયન્ટ્સે તેમને મેગા ઓક્શનમાં તેમની મૂળ કિંમત 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. તેમને દરેક મેચમાં ફી તરીકે અલગથી 7.5 લાખ રૂપિયા મળે છે, જેમાંથી દંડની રકમ કાપવામાં આવશે. જો કે, આ દંડ તેમની હરાજીની કિંમત પર કોઈ અસર કરશે નહીં. તેમ છતાં, એક યુવા ખેલાડી દ્વારા વારંવાર આવી હરકતો કરવી ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈ માટે ચિંતાનો વિષય બની શકે છે.