IPL 2025 final RCB vs PBKS: IPL ૨૦૨૫ ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનું પહેલું IPL ટાઇટલ જીતવાનું સ્વપ્ન ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પંજાબને ૬ રનથી હરાવીને તેમનો ૧૮ વર્ષનો ટ્રોફીનો દુષ્કાળ સમાપ્ત કર્યો. પંજાબ કિંગ્સને ૧૯૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેઓ નિર્ધારિત ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને માત્ર ૧૮૪ રન જ બનાવી શક્યા. પંજાબની આ હાર પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર રહ્યા.

Continues below advertisement

પંજાબ કિંગ્સની હારના ૩ મુખ્ય કારણો:

૧. ધીમી શરૂઆત અને ઓપનર્સનો ધીમો દેખાવ: ૧૯૧ રન જેવા મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સને મજબૂત અને ઝડપી શરૂઆતની જરૂર હતી. જોકે, ઓપનર્સ પ્રિયાંશ આર્ય (૧૯ બોલમાં ૨૪ રન) અને પ્રભસિમરન સિંહ (૨૨ બોલમાં ૨૬ રન) ની શરૂઆત ધીમી રહી. પ્રથમ વિકેટ માટે ૪૩ રન ઉમેરાયા હોવા છતાં, બોલ અને રન વચ્ચેનો તફાવત વધતો રહ્યો, જે ટીમ પર દબાણ લાવ્યો. ફિલ સોલ્ટે પકડેલા અદ્ભુત કેચથી પ્રિયાંશ આર્ય આઉટ થયો તે પણ મેચનો મહત્વનો વળાંક હતો.

Continues below advertisement

૨. કેપ્ટન શ્રેયસ ઐયરનો ફ્લોપ શો: આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન શ્રેયસ ઐયર પાસેથી ફાઇનલમાં મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ, તે માત્ર ૨ બોલમાં ૧ રન બનાવીને રોમારિયો શેફર્ડેનો શિકાર બન્યો. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે પંજાબની સ્થિતિ સારી હતી, પરંતુ તેની વિકેટ પડતા જ રમતનું પાસું પલટાઈ ગયું અને ટીમની રનચેઝ ગતિ ગુમાવી બેઠી.

૩. મધ્યક્રમમાં નેહલ વાઢેરા દ્વારા બોલનો બગાડ અને વિકેટોનું પતન: જ્યારે શશાંક સિંહ ક્રીઝ પર હતા, ત્યારે પણ નેહલ વાઢેરા સાથે તેમની ભાગીદારી જીત માટે આશાસ્પદ લાગતી હતી. જોકે, નેહલ વાઢેરાએ ૧૮ બોલમાં માત્ર ૧૫ રન બનાવ્યા, જેના કારણે બોલ બગાડ્યા અને ટીમ પર દબાણ સતત વધતું રહ્યું. આ ઉપરાંત, મધ્યક્રમમાં એકવાર વિકેટો પડવાની શરૂઆત થઈ, પછી પંજાબ ૭૨ રનના સ્કોર પર એક વિકેટ ગુમાવ્યા બાદ આગામી ૨૬ રનમાં ૩ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. ૧૯૧ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ૯૮ રનમાં ૪ વિકેટ ગુમાવવી એ પંજાબ માટે ઘાતક સાબિત થયું. અંતે, પંજાબે માત્ર ૯ રનમાં વધુ ૩ વિકેટ ગુમાવી દેતા મેચ સંપૂર્ણપણે હાથમાંથી સરકી ગઈ.

RCB નો ઐતિહાસિક વિજય અને બોલરોનો કમાલ:

બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૨ વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે પણ ૨ વિકેટ ઝડપી. યશ દયાલ, જોશ હેઝલવુડ અને રોમારિયો શેફર્ડેએ પણ ૧-૧ વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો. ૧૮ વર્ષના લાંબા ઇંતજાર બાદ RCB એ પોતાની પ્રથમ IPL ટ્રોફી જીતીને ચાહકોના દિલ જીતી લીધા.