Sai Sudharsan Orange Cap winner IPL 2025: IPL ૨૦૨૫ ની સફર RCB ના ઐતિહાસિક વિજય સાથે પૂરી થઈ છે, પરંતુ આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી છાપ છોડી છે. બેટિંગ વિભાગમાં, ગુજરાત ટાઇટન્સના યુવા ઓપનર સાઈ સુદર્શને ઓરેન્જ કેપ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે એક અનોખો રેકોર્ડ બનાવી ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે.
સાઈ સુદર્શનનું શાનદાર પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સ ભલે આ વર્ષે IPL ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હોય કે ફાઇનલમાં પણ સ્થાન ન બનાવી શકી હોય, પરંતુ તેના બેટ્સમેન સાઈ સુદર્શને લીગમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે. સાઈ સુદર્શને આ સિઝનમાં ૧૫ મેચમાં ૭૫૯ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. તેની સરેરાશ ૫૪.૨૧ અને સ્ટ્રાઇક રેટ ૧૫૬.૧૭ રહ્યો, જે તેની ધમાકેદાર બેટિંગનું પ્રમાણ છે.
સૂર્યકુમાર યાદવનો અદ્ભુત રેકોર્ડ
ઓરેન્જ કેપની રેસમાં સાઈ સુદર્શન પછી સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને રહ્યો છે. તેણે ૧૬ મેચમાં ૭૧૭ રન બનાવ્યા છે. આ સિઝનમાં ૭૦૦ થી વધુ રન બનાવનાર તે સાઈ સુદર્શન સાથેનો બીજો ખેલાડી છે. સૂર્યાએ પાંચ અડધી સદી ફટકારી છે, અને તેની સરેરાશ ૬૫.૧૮ તથા સ્ટ્રાઇક રેટ ૧૬૭.૯૧ રહ્યો છે.
પરંતુ સૂર્યકુમાર યાદવે આ સિઝનમાં એક એવો અનોખો રેકોર્ડ બનાવ્યો છે જે IPL ના ૧૮ વર્ષના ઇતિહાસમાં ક્યારેય બન્યો નથી - તે આ વર્ષે IPL માં એક પણ વખત ૨૫ રનથી ઓછામાં આઉટ થયો નથી! આ સિદ્ધિ માત્ર IPL માં જ નહીં, પરંતુ વિશ્વની કોઈપણ T20 ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેને મેળવી નથી, જે સૂર્યાની અવિશ્વસનીય સુસંગતતા દર્શાવે છે.
વિરાટ કોહલીનું પ્રદર્શન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ઓરેન્જ કેપ જીતવાની અથવા ૭૦૦ રન પૂરા કરવાની નજીક હતો. તેણે આ સિઝનમાં કુલ ૬૫૭ રન બનાવ્યા હતા, જેમાં ૮ અડધી સદીનો સમાવેશ થાય છે અને તેની સરેરાશ ૫૪ થી વધુ રહી હતી. જોકે, ફાઇનલમાં તે ૩૫ બોલમાં ૪૩ રન બનાવીને આઉટ થયો હતો, જે તેની સામાન્ય લય કરતા ધીમી ઇનિંગ્સ હતી અને તે ફક્ત ૩ ચોગ્ગા જ ફટકારી શક્યો હતો. તેમ છતાં, તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યો.