IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં મંગળવારે ડબલ હેડરની પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 4 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 18 રને હરાવ્યું હતું. IPLમાં અત્યાર સુધીમાં 22 મેચ રમાઈ છે, આ પછી 5 વખતની ચેમ્પિયન મુંબઈ અને ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ખરાબ સ્થિતિમાં છે. ભલે CSK બોલર પર્પલ કેપ ધરાવે છે, પણ ઓરેન્જ કેપ માટેની રેસ વધુ રોમાંચક બની ગઈ છે.
મંગળવારે રમાયેલી પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 238 રન ફટકાર્યા હતા. એડન માર્કરામ (47), મિશેલ માર્શ (81) અને નિકોલસ પૂરન (87) એ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. જવાબમાં, કોલકાતાએ પણ સારી લડત આપી પરંતુ લક્ષ્યથી 5 રન પાછળ રહી ગઇ હતી.
બીજી મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફરી એકવાર આ મેદાન પર 200થી વધુનો સ્કોર બન્યો હતો. પંજાબે પ્રિયાંશ આર્યની સદીની મદદથી 219 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ ફક્ત 201 રન જ કરી શકી હતી અને પંજાબે 18 રનથી મેચ જીતી લીધી હતી.
22 મેચ પછી પોઈન્ટ ટેબલ
આ જીત બાદ ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળની લખનઉને 6 પોઈન્ટ મળ્યા છે, આ ટીમની 5 મેચમાં ત્રીજી જીત હતી. ટીમ +0.078 ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને છે. અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ કોલકાતાનો 5 મેચમાં આ ત્રીજો પરાજય હતો, તે -0.056 નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે.
5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ માટે 5 મેચમાં આ ચોથી હાર હતી, તેઓ -0.889 ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની હાલત પણ ખરાબ છે, તે 5 માંથી 4 મેચ હારી ગઈ છે અને ટેબલમાં 8મા સ્થાને છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે 4 માંથી 3 મેચ જીતી છે, તેઓ યાદીમાં ચોથા નંબરે છે.
ટોચની 4 ટીમો
22 મેચ પછી પોઈન્ટ ટેબલમાં ટોચના ચારમાં દિલ્હી કેપિટલ્સ (પ્રથમ), ગુજરાત ટાઇટન્સ (બીજા), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ત્રીજા) અને પંજાબ કિંગ્સ (ચોથા) છે. આમાંથી ફક્ત ગુજરાત ટાઇટન્સે જ આઇપીએલ ટ્રોફી જીતી છે.
નિકોલસ પૂરન પાસે ઓરેન્જ કેપ છે
KKR સામે 36 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમનાર નિકોલસ પૂરણ પાસે ઓરેન્જ કેપ છે, તેણે 5 ઇનિંગ્સમાં 288 રન ફટકાર્યા છે.
નૂર અહેમદ પાસે પર્પલ કેપ છે
નૂર અહેમદ IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે 5 મેચમાં 11 વિકેટ લીધી છે. તેની પાસે પર્પલ કેપ છે, જ્યારે બીજા ક્રમે રહેલા ખલીલ અહેમદના નામે 10 વિકેટ છે.