(Source: Poll of Polls)
ક્રિકેટ રસિકો માટે ખુશખબર: IPL 2025 ની નવી શરૂઆતની તારીખ અને સ્થળો જાહેર! ફાઇનલ અમદાવાદમાં....
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ટૂંક સમયમાં ટૂર્નામેન્ટનો પ્રારંભ, ૧૬ અથવા ૧૭ મે થી મેચો ફરી શરૂ થવાની શક્યતા, બાકીની મેચો ફક્ત ૪ શહેરોમાં યોજાશે.

IPL 2025 resume date: ક્રિકેટ ચાહકો માટે આતુરતાનો અંત આવી રહ્યો છે! ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ ફરીથી શરૂ થવાની તારીખો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે. ટૂર્નામેન્ટ ટૂંક સમયમાં જ પુનરાગમન કરવા જઈ રહી છે, ત્યારે તેના નવા સ્વરૂપમાં ઘણા ફેરફારો જોવા મળશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મળેલા નવીનતમ અપડેટ્સ મુજબ, IPL ૨૦૨૫ ટૂર્નામેન્ટ ૧૬ અથવા ૧૭ મેના રોજ ફરી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. સુરક્ષા કારણોસર ૮ મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ થયા બાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. હવે, એવી અપેક્ષા છે કે ફરી શરૂઆતની પ્રથમ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ શકે છે.
ચાર શહેરોમાં મેચોનું આયોજન:
સ્પોર્ટ્સ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL ૨૦૨૫ ની બાકીની બધી મેચોનું આયોજન ફક્ત ૪ શહેરોમાં જ કરવામાં આવશે. BCCI એ ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવા અંગે બધી ટીમો અને ભાગીદારોને જાણ કરી દીધી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો અને લોજિસ્ટિક્સને સરળ બનાવવાનો છે. બોર્ડે તમામ ટીમોને શક્ય તેટલી વહેલી તકે તેમના વિદેશી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ૧૩ મે સુધીમાં એકઠી થવાની ધારણા છે, જ્યારે અન્ય ટીમો પણ આગાવા સમયમાં ભેગી થશે અને આગામી મેચો માટે નિર્ધારિત સ્થળોએ પહોંચશે.
પ્લેઓફ સ્થળોમાં મહત્વપૂર્ણ ફેરફાર:
પ્લેઓફના સ્થળો અંગે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ટૂર્નામેન્ટ સ્થગિત થાય તે પહેલાં, ક્વોલિફાયર ૧ અને એલિમિનેટર મેચો હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાવાની હતી, જ્યારે ક્વોલિફાયર ૨ અને ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે નિર્ધારિત હતી. જોકે, નવીનતમ અપડેટ મુજબ, ક્વોલિફાયર ૧ અને એલિમિનેટર બંને મેચોના સ્થળમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ફાઇનલ મેચ કોલકાતાને બદલે અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. આ નિર્ણય કોલકાતામાં વરસાદની સંભાવના અને અમદાવાદમાં ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
એ પણ નોંધનીય છે કે પંજાબ કિંગ્સ સિવાય, અન્ય ટીમોના લગભગ તમામ ખેલાડીઓ તેમના ઘરે પાછા ફર્યા હતા. પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે ટીમના વિદેશી ખેલાડીઓને ભારતમાં જ રોકવા માટે મોટી ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમની ટીમ ફરીથી મેદાનમાં ઉતરવા માટે તુરંત તૈયાર થઈ શકશે.




















