IPL 2026 auction expensive players: અબુ ધાબીમાં યોજાયેલી IPL 2026 Auction માં રેકોર્ડબ્રેક બોલી જોવા મળી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરતા કેમેરોન ગ્રીન અને મથિશા પથિરાના પાછળ કુલ ₹43.2 કરોડ ખર્ચ્યા છે. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ બે નવા અને અનકેપ્ડ ખેલાડીઓને ₹28.4 કરોડમાં ખરીદીને સૌને ચોંકાવી દીધા છે. ચાલો જાણીએ આ હરાજીમાં માલામાલ થનારા ટોપ 7 ખેલાડીઓ વિશે.
ક્રિકેટના મહાકુંભ ગણાતી IPL 2026 ની હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓએ પાણીની જેમ પૈસા વહાવ્યા છે. ખાસ કરીને KKR અને CSK જેવી ટીમો આક્રમક મૂડમાં જોવા મળી હતી. અહીં એવા 7 ખેલાડીઓની યાદી છે જેમને સૌથી મોટી રકમ મળી છે:
1. કેમેરોન ગ્રીન (KKR) - ₹25.20 કરોડ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન આ સીઝનના સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. KKR અને CSK વચ્ચે જામલી રસાકસીમાં અંતે કોલકાતાએ બાજી મારી અને તેને ₹25.20 કરોડમાં ખરીદ્યો. આ સાથે ગ્રીન IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે.
2. મથિશા પથિરાના (KKR) - ₹18 કરોડ શ્રીલંકાના ઘાતક બોલર મથિશા પથિરાના પર પણ KKR મહેરબાન થયું છે. ટીમે તેને ₹18 કરોડની જંગી રકમ આપીને પોતાની બોલિંગ લાઇન-અપ મજબૂત કરી છે. તે IPL માં સૌથી મોંઘો વેચાનાર શ્રીલંકન ખેલાડી બન્યો છે.
3. પ્રશાંત વીર (CSK) - ₹14.20 કરોડ ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે યુવા ખેલાડી પ્રશાંત વીર પર ભરોસો મૂક્યો છે. UP T20 લીગ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર આ અનકેપ્ડ ઓલરાઉન્ડરને CSK એ ₹14.20 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈસ માત્ર ₹30 લાખ હતી.
4. કાર્તિક શર્મા (CSK) - ₹14.20 કરોડ હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચેની બિડિંગ વોર બાદ, અન્ય એક અનકેપ્ડ ખેલાડી કાર્તિક શર્મા પણ ₹14.20 કરોડમાં વેચાયો છે. CSK એ ભવિષ્યની ટીમ બનાવવા માટે આ યુવા પ્રતિભા પર મોટો દાવ રમ્યો છે.
5. આકિબ દાર (DC) - ₹8.40 કરોડ દિલ્હી કેપિટલ્સે જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર અને ઓલરાઉન્ડર આકિબ દારને ₹8.40 કરોડમાં ખરીદ્યો છે. માત્ર ₹30 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા આકિબ માટે SRH અને દિલ્હી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
6. રવિ બિશ્નોઈ (RR) - ₹7.20 કરોડ સ્પિનના જાદુગર રવિ બિશ્નોઈ હવે રાજસ્થાન રોયલ્સ (RR) માટે રમતા જોવા મળશે. ટીમે તેને ₹7.20 કરોડમાં ખરીદ્યો છે. અગાઉ તે લખનૌ અને પંજાબ તરફથી રમી ચૂક્યો છે.
7. વેંકટેશ ઐયર (RCB) - ₹7 કરોડ KKR ના ભૂતપૂર્વ સ્ટાર વેંકટેશ ઐયરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ₹7 કરોડમાં ખરીદ્યો છે. KKR એ તેને પરત મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ RCB એ બાજી મારી લીધી હતી.